પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩
મ્યુનિસિપાલિટીની બરતરફી પછી

વિદ્યાર્થીઓ હતા તે વખતે જેટલી શાળાઓ ચાલતી હતી તેમાં બેનો ઉમેરો કરી ૫૭ શાળાઓ ૧૬૦૦–૧૭૦૦ વિદ્યાર્થીઓ ઉપર ચલાવવામાં આવે છે.”

તા. ૧૩-૮–’૨૨ના ‘નવજીવન’માં ‘સ્થાનિક સ્વરાજની દુર્દશા’એ નામના લેખમાં ઇલાકા મ્યુનિસિપાલિટીઓ વિષે સરદાર લખે છે:

“સેંકડે ૭૫ ટકા જેટલી મ્યુનિસિપાલિટીઓ મોતની અણી પર છે. જ્યાં જુઓ ત્યાં ઊપજ કરતાં ખર્ચ ઘણું વધી ગયું છે. વિશેષ કર નાખવાની જગા રહી નથી. કેળવણી ખાતાનો વહીવટ બાહોશ પ્રધાનના હાથમાં છે. તેમણે શિક્ષકોના પગારનું ધોરણ નક્કી કર્યું પણ તે પ્રમાણે મ્યુનિસિપાલિટીઓ પગાર આપી શકશે કે નહીં તેનો વિચાર તેમણે કર્યો જણાતો નથી. મ્યુનિસિપાલિટીઓ આ બોજો ઉપાડી શકતી નથી. અને સરકાર કાંઈ મદદ કરી શકતી નથી. . . . આમ છતાં ઇલાકાની મોટામાં મોટી બે મ્યુનિસિપાલિટીઓએ પોતાની કેળવણીનો વહીવટ પોતાને ખરચે પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો તે સરકારથી સહન ન થયું. સરકારી કેળવણી ખાતાના નિયમો પૈકી ત્રીજા નંબરના (સરકારી ઇન્સ્પેકટરોને પરીક્ષા લેવા દેવાના તથા નિરીક્ષણ કરવા દેવાના) નિયમનો અમદાવાદ, સુરત અને નડિયાદની મ્યુનિસિપાલિટીઓએ ભંગ કર્યો તેથી સરકારની તે મ્યુનિસિપાલિટીઓ પર ઇતરાજી થઈ. આજે સેંકડે પોણો સો ટકા મ્યુનિસિપાલિટીઓ બીજા નંબરના (સરકારે ઠરાવેલો પગાર શિક્ષકોને આપવા વગેરે) નિયમનો ભંગ કરે છે, કારણ કે તે નિયમ પાળવા માટે જોતાં નાણાં નથી, તેને સરકાર કાંઈ કરી શક્તી નથી. તેમ તે નિયમ પાળવાને કાંઈ મદદ કરી શકતી નથી. કારણ કે સરકાર પાસે પોતાને હસ્તકનાં ખાતાં ચલાવવાને જ પૂરતાં નાણાં નથી તો પ્રજાને જવાબદાર ખાતાંમાં મદદ ક્યાંથી આપે ?”

તા. ૯-૨-’૨૪થી અમદાવાદમાં પ્રજાકીય મ્યુનિસિપાલિટી ફરીથી પાછી અસ્તિત્વમાં આવી તો પણ પ્રજાકીય કેળવણી મંડળે કાઢેલી શાળાઓ ચાલુ રાખવામાં આવી, અને મ્યુનિસિપાલિટીઓ એ શાળાઓ નિભાવવા માટે દોઢ લાખ રૂપિયાની ગ્રાન્ટ પ્રજાકીય કેળવણી મંડળને આપી. કાયદા પ્રમાણે સરકારે મંજૂર કરેલી ન હોય એવી કેળવણીની સંસ્થાઓને મ્યુનિસિપાલિટી ગ્રાન્ટ આપી શકે છે. તે વખતના કેળવણી ખાતાના ડિરેક્ટર મિ. લૉરીને લાગ્યું કે આટલાં બધાં બાળકો સરકારી કેળવણી ખાતાની બહાર અને સરકારે માન્ય નહીં રાખેલી એવી શાળાઓમાં ભણે એ ઠીક નહીં. એને લીધે સરકારી કેળવણી ખાતાની પ્રતિષ્ઠાને તો હાનિ થતી જ હતી. એટલે તે વખતના ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર શ્રી વકીલ મારફત તેણે વાટાઘાટ કરવાનું શરૂ કર્યું. કૉંગ્રેસમાં પણ ફેરવાદીઓ અને નાફેરવાદીઓ વચ્ચેના વાદવિવાદોને