પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
સરદાર વલ્લભભાઈ


કબજો લેવામાં આવે તો તેમાં સરકારી શાળામાં બેસાડવામાં આવે અને મ્યુનિસિપાલિટીની અસહકારી શાળાઓને ધોકો પહોંચે. કલેક્ટરે તા. ૮–૩–’૨૧ના રોજ એ મકાનો તુરતાતુરત ખાલી કરી આપવાની મ્યુનિસિપાલિટીને નોટિસ આપી, પણ મ્યુનિસિપાલિટીએ એ મકાનો ઉપર પોતાનો હક રજૂ કરીને કબજો ન સોંપ્યો. એટલે કલેક્ટરે કાયદો ઊંચે મૂકી પોલીસની મદદથી શાળાઓનાં મકાનોનાં તાળાં તોડી જબરદસ્તીથી મકાનોનો કબજો લીધો. આ સંબંધમાં ‘નવજીવન’ના પ્રતિનિધિને મુલાકાત આપતાં સરદારે જણાવ્યું કે :

“જે ત્રણ મકાનોનો કબજો સરકારે જબરાઈથી લીધો છે તે ત્રણ પૈકી એકે મકાન મારા જાણવા પ્રમાણે સરકારની માલકીનું નથી. એક મકાન ‘ઇન્ફન્ટીસાઈડ ફંડ’માંથી બનાવેલું છે, બીજું મોટે ભાગે લોકોની મદદથી થયેલું છે અને ત્રીજા મકાનની માલકીના સંબંધમાં તકરાર છે. વળી આ મકાન મ્યુનિસિપાલિટીને જે શરતોએ આપવામાં આવેલાં છે તે શરતોનો ભંગ થયેલો નથી. છતાં કબજો લેવાનો સરકારનો હક માનીએ તોપણ બાર કલાકની અંદર કબજો સોંપવાને મ્યુનિસિપાલિટીને નોટિસ આપવી અને તે પ્રમાણે જો કબજો ન મળે તો હથિયારબંધ પોલીસની મદદથી કબજો લેવો એ તો ખેડા જિલ્લામાં બહારવટિયાઓ જાસાના કાગળો બાંધી ધાડ પાડવાની ધમકી આપી લોકો પાસેથી પૈસા કઢાવે છે એવું છે. વાર્ષિક ભાડાચિઠ્ઠીથી મકાન ભાડે રાખનાર ભાડૂતને પણ ઓછામાં ઓછી એક મહિનાની નોટિસ મેળવવાનો અધિકાર હોય છે. જ્યારે લગભગ પાંત્રીસ વરસથી જે મકાન બક્ષિસ આપ્યાનું કહેવામાં આવે છે એવાં મકાનોનો કબજો બાર કલાકની અંદર માગવો અને મ્યુનિસિપલ પ્રમુખને મ્યુનિસિપાલિટીનો મત લેવાનો સુદ્ધાં વખત ન આપવો એ યોગ્ય છે કે અયોગ્ય એ બાબતમાં કોઈના અભિપ્રાયની જરૂર મને લાગતી નથી. પરંતુ આ સરકાર આવું પગલું ભરે એમાં મને કાંઈ નવાઈ લાગતી નથી. સાધારણ રીતે યોગ્ય ગણાય એવાં કૃત્યો સરકાર આજકાલ ભાગ્યે જ કરે છે.”

એ મુલાકાતમાં જ આગળ ચાલતાં સરદાર જણાવે છે :

“આ મકાનોનો કબજો લેવા સરકારે દીવાની કોર્ટમાં જવું જોઈતું હતું. પરંતુ સરકારે જબરાઈ કરી એટલે હાલ તો કબજો છોડ્યા સિવાય મ્યુનિપાલિટી પાસે બીજો માર્ગ ન હતો. અસહકારનો સિદ્ધાંત સ્વીકારેલ હોવાથી તે કોર્ટમાં જઈ મનાઈહુકમ મેળવી શકે એવી સ્થિતિમાં નહોતી. આ મકાનોનો કબજો લેવામાં સરકારનો હેતુ નડિયાદમાં ચાલતી અસહકારની ચળવળને ફટકો મારવાનો છે. પરંતુ નડિયાદના લોકો જો પોતાનાં બાળકોને સરકાર આ મકાનોમાં જે શાળા ખોલવા ઇરાદો રાખે છે તેમાં ન મોકલે તો સરકાર આ મકાનોનો કબજો લઈ કશો ફાયદા મેળવશે નહીં, એ દેખીતું છે.” ( ‘નવજીવન’, ૧૩–૩–’૨૧)