પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
ગાંધીજીની ગિરફતારી પછી


આવે તે પહેલાં જ સરદાર વગેરે નિર્ણય ઉપર આવી ગયા હતા કે મૌલાનાને વિરોધ ન કરવામાં જ ડહાપણ છે, જોકે રાજેન્દ્રબાબુ અને સરદારે. ખુલ્લી કૉંગ્રેસમાં નાફેરવાદીની સ્થિતિની સ્પષ્ટતા કરવી. પહેલાં રાજેન્દ્રબાબુ બોલવા ઊભા થયા. તેમણે ગળગળે અવાજે કહ્યું :

“કોઈ પણ હેતુથી ધારાસભામાં જવાથી અસહકારનો સિદ્ધાંત પડી ભાંગે છે એમ હું માનું છું. પણ મારી ખાંધ કૉંગ્રેસમાં ભંગાણ પડાવવાની જવાબદારી લેવા જેટલી સધ્ધર નથી. એટલે હું આ ઠરાવનો વિરોધ નહીંં કરું. હું દિલગીર છું કે એને મારાથી ટેકો પણ નહીં અપાય. પણ હું મારા અંતરના ઊંડાણમાંથી કહીશ કે ધારાસભામાં જવાથી અસહકારનો નાશ નથી થતો એ પુરવાર કરવાની જવાબદારી પંડિત મોતીલાલજી ઉપર રહેશે, સ્વરાજ પક્ષના ધુરંધર નેતા દેશબંધુ દાસ ઉપર રહેશે. આગળ વધીને કહું છું કે એ જવાબદારી સૌના કરતાં વધારે મૌલાના મહમદઅલીના સદ્ધર ખભા ઉપર રહેશે.”

એમની પછી સરદાર બોલવા ઊભા થવા જતા હતા ત્યાં રાજાજીનો તાર આવ્યો. તે વાંચીને તેમનો જાણે અર્ધો ભાર હલકો થઈ ગયો. ઊભા થયા ત્યારે એ વીર યોદ્ધાની આંખ ભીની થયેલી દેખાતી હતી, અને તાર પકડેલો હતો તે આંગળીઓ ધ્રુજતી હતી. અતિશય વિષાદમય અવાજે તેમણે બોલવા માંડ્યું :

“વડીલોની સાથે અત્યાર સુધી અમે લડત ચલાવી અને અમારી અલ્પ શક્તિ અને મતિ પ્રમાણે અસહકારનો વાવટો ફરકતો રાખ્યો. અમે તો બધા સિપાઈ રહ્યા. એકે નેતા અમારામાં છે નહીં. પણ અમારામાં એક માણસ ચોખ્ખા મગજનો, ચોખ્ખા વિચાર કરવાવાળો છે. તેણે પોતાની માંદગીના બિછાના પરથી સંદેશ મોકલ્યો છે તે હમણાં જ આવ્યો. તે કહે છે: ‘બધી જ જવાબદારી મૌલાના મહમદઅલીની ખાંધે નાખો એવી મારી સલાહ છે. તેમને કશુંયે અણગમતું કરવાને મજબૂર ન કરો એમ ઈચ્છું છું. તેમનો સમાધાન માટે બહુ જ આગ્રહ હોય તો તેમ કરવા દો. મને ભાસે છે કે દેશને માટે કઠણ અનુભવમાંથી પસાર થવાનું લખેલું છે. દલીલો અને ચર્ચાઓ નકામી છે. હવે આપણે બીજાઓની આડે આવવાનું પ્રયોજન નથી. આપણે આપણાથી થયું તેટલું કરી ચૂક્યા. આપણે ઘણાને ગુમાવ્યા છે, હવે મૌલાના મહમદઅલીને આપણે નથી ગુમાવવા.’ એનો શબ્દ અમને માન્ય છે.
“મેં મારા હૃદયનું મંથન કર્યું છે અને જોયું છે કે મૌલાનાને મદદ આપવાને મારાથી ઓછામાં ઓછું કંઈ પણ થઈ શકે એમ હોય તો તે એ છે કે મારે મારો વિરોધ ખેંચી લેવો. તેઓ કહે છે કે બે વરસની ગેરહાજરી પછી આવનારની સ્થિતિનો તમારે ખ્યાલ કરવો જોઈએ. બે વરસ સુધી બહાર રહેનારની મુશ્કેલીઓને પણ અત્યાર સુધીમાં તેમને ખ્યાલ આવી ગયો