પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
સરદાર વલ્લભભાઈ

જાય તો તરત કહે : “માંદો હતો તો અહીં શું મરવા આવ્યો છે ? માફી કેમ માગી લેતો નથી ?” આ ઉપરાંત નબળાપોચાને ગાળોથી નવાજવામાં આવે તે તો જુદું. વળી કામની વરદી પૂરી ન કરવા બદલ તો કેદીને કોઈ પણ ગુનામાં લાવી શકાય છે, તેવા ગુના બદલ હાથકડી, દંડાબેડી, આડીબેડી, તાટ કપડાં, અંધારી કોટડી, એવી એવી અનેક પ્રકારની સજાનો લાભ આપણા ભાઈઓને મળેલો. જ્યારે નાગપુર જેલમાં સંખ્યા વધી ગઈ ત્યારે સત્યાગ્રહી કેદીઓની ફેરબદલી આકોલાની જેલમાં કરવામાં આવેલી. ત્યાં પણ સ્થિતિ નાગપુર જેલ કરતાં સારી ન હતી, બલકે ખરાબ હશે. લડત કુલ ૧૧૦ દિવસ ચાલી. તેટલા વખતમાં ઝંડા સત્યાગ્રહીઓની સંખ્યા આશરે ૧૭૫૦ જેટલી થયેલી. તેમાંથી લગભગ ૨૦૦ જેટલા કેદીઓ પાસે માફી મંગાવવામાં જેલનું દુર્વતન સફળ થયેલું.

જમનાલાલજીની ગિરફ્તારી પછી તરત જ નાગપુરમાં કૉંગ્રેસની મહાસમિતિની બેઠક બોલાવવામાં આવી. નાફેરવાદી અને સ્વરાજ પક્ષ વચ્ચે એ વખતે તીવ્ર મતભેદ ચાલતો હતો. બંને પક્ષના નેતાઓ આ બેઠકમાં હાજર હતા. ઝંડા સત્યાગ્રહને સર્વ પ્રકારે મદદ કરવાનો ઠરાવ નાફેરવાદી પક્ષ તરફથી લાવવામાં આવ્યો હતો. આ બેઠક ચાલતી હતી તે જ દિવસે જમનાલાલજીનો કેસ ચાલ્યો હતો અને ચુકાદો આવવાનો બાકી હતો. જો સ્વરાજ પક્ષવાળા આ ઠરાવનો વિરોધ કરે તો સરકાર ચળવળને દાબી દેવા કડકાઈથી કામ લે અને ઠરાવને ટેકો આપે તો બીજાઓની માફક જમનાલાલજીને પણ દોઢ બે મહિનાની થોડી સજા થાય. સ્વરાજ પક્ષે ઝંડા સત્યાગ્રહને વખોડી કાઢ્યો અને તે જ દિવસે જમનાલાલજીને લગભગ બે વર્ષની સખ્ત સજા કરવામાં આવી. આ પછી બીજે દિવસે કૉંગ્રેસની કારોબારી (વર્કિંગ કમિટી) સમિતિની બેઠક થઈ. સ્વરાજ પક્ષવાળા તે વખતે ચાલી ગયા હતા.

કૉંગ્રેસ કારોબારીએ સરદારને લડતનું સંચાલન સોંપ્યું. કારોબારીના ઠરાવને માન આપી ગુજરાતના કામની ગોઠવણ કરી તેઓ તા. ૨૨મી જુલાઈએ નાગપુર પહોંચ્યા. નાગપુર પહોંચતાં જ મધ્ય પ્રાંતની સરકાર એમને પકડી લેશે એવી વાયકા જોરથી ચાલી રહી હતી. સરદાર પહેલાં નાગપુર ગયેલા ત્યારે એમનો ઉતારો એક શ્રી ટીકેકરને ત્યાં હતા. પણ આ વખતે સરદાર નાગપુર પહોંચે તે પહેલાં શ્રી ટીકેકરને પકડવાનું વારંટ નીકળ્યું, એટલે એ પોતાનું ઘર બંધ કરી ગામડે ચાલી ગયા. એટલે જમનાલાલજીનાં પત્ની શ્રી જાનકીદેવીએ ધનતોલી જે નાગપુરનું એક પરું છે ત્યાં સરદાર માટે ઘર ભાડે રાખી એમના ઉતારાની ગોઠવણ કરી હતી. જમનાલાલજીને સખ્ત સજા કરી, ટીકેકર ચાલી ગયા અને સ્વયંસેવકોની છવણી પર પોલીસે છાપો મારી તે કબજે કરી. એટલે નાગપુરમાં