પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.

૨૨
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો

નાગપુર પ્રકરણમાં સરકારની છેલ્લી યાદીનો જવાબ આપી સરદાર દિલ્હીની ખાસ મહાસભામાં ગયા. એ દરમિયાન બોરસદમાં સરદાર માટે એક બીજું કામ તૈયાર થઈ રહ્યું હતું. એ તાલુકામાં બહારવટિયાનો ત્રાસ બહુ વધી પડ્યો હતો અને ખૂન તથા લૂંટના ગુનાનું પ્રમાણ વધી ગયું હતું. પોલીસ એવા રિપોર્ટ કર્યા કરતી હતી કે લોકો બહારવટિયાઓને આશ્રય આપે છે અને છુપાવામાં મદદ કરે છે, એટલે એમને પકડી શકાતા નથી. લોકોનો સામે આક્ષેપ એવો હતો કે પોલીસ બહારવટિયા સાથે ભળી ગઈ છે અને એ જ લૂંટો કરાવે છે. સ્થાનિક અમલદારોનો અભિપ્રાય એવો હતો કે બહારવટિયાઓને પકડવા માટે તાલુકામાં વધારાની પોલીસ મૂકવી જોઈએ અને તેનું ખર્ચ લોકો ઉપર દંડ નાખીને વસૂલ કરવું જોઈએ. આ ઉપરથી સરકારે તા. ૨૫-૯-’૨૩ના રોજ ઠરાવ બહાર પાડીને રૂા. ૨૪૦,૦૭૪નો દંડ તાલુકા ઉપર નાખ્યો અને સોળ વર્ષથી ઉપરની ઉંમરનાં દરેક સ્ત્રી પુરુષ પાસેથી, ઘરડાં અને અપંગને પણ બાદ રાખ્યા વિના, જણ દીઠ રૂા. ર-૭-૦ વસૂલ કરવાનું ઠરાવ્યું. લોકોએ આ દંડનું નામ હૈડિયા વેરો પાડ્યું. તેમને આ દંડ દાઝ્યા ઉપર ડામ જેવો લાગતો હતો. દિલ્હીની મહાસભામાંથી સરદાર અમદાવાદ આવ્યા કે તરત બોરસદના લોકો એમની પાસે ફરિયાદો કરતા ઊભરાવા માંડ્યા. તેમણે તા. ૨૦-૧૦-’૨૩ના રોજ પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી અને આ ‘પ્યુનિટિવ’ — સજા-પોલીસની બાબતમાં સ્થળ ઉપર જઈ તપાસ કરી રિપોર્ટ કરવા શ્રી મોહનલાલ પંડ્યા તથા શ્રી રવિશંકર મહારાજની કમિટી નીમી. તેમણે તરત બોરસદ તાલુકામાં પહોંચી જઈ ગામેગામ ફરી બહુ ઝીણવટથી તપાસ કરી પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો. દરમિયાન સરદારે પણ અમદાવાદ બેઠે તપાસ કરી લીધી. આખા ખેડા જિલ્લાના લોકોના તેમ જ સરકારી ખાતાઓની તમામ ખૂંચખાંચોના તેઓ પાકા ભોમિયા હતા. એટલે સરકારની પોલ પકડી પાડતાં તેમને વાર ન લાગી. અને આપણો કેસ તદ્દન સાફ અને ચોટડૂક છે એવી તેમની પાકી ખાતરી થઈ ગઈ પછી આ બાબતમાં શાં પગલાં ભરવાં એનો વિચાર કરવા તા. ૨-૧૨-’૧૩ના રોજ બોરસદ તાલુકાની પરિષદ બોરસદમાં બોલાવી. તેને આગલે દિવસે ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક પણ ત્યાં જ રાખી.

૨૯૪