પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


સામી બાજુ સરકારે પણ તાલુકામાંનું પોતાનું સઘળું બળ એકઠું કરી જપ્તીઓનો મારો શરૂ કરી દીધો. મામલતદારની કચેરીનું બીજું બધું કામ મોકૂફ રાખી બધા કારકુનોને જપ્તીના કામમાં રોકી દીધા. લોકોને બિવરાવવાની દૃષ્ટિએ વધારાની પોલીસનો પણ બંદૂક સાથે ઉપયોગ કરવા માંડ્યો. આ પોલીસને લોકોના રક્ષણ માટે રાખવામાં આવ્યાનું કહેવામાં આવેલું. તેનો ઉપયોગ સરકારના અન્યાયી હુકમની બજવણી માટે અને જપ્તી કારકુનોના રક્ષણ માટે કરવામાં આવ્યો. જોકે જપ્તી કારકુનોને કશા રક્ષણની જરૂર નહોતી. લોકોએ આ લડત પૂરતી તો અહિંસાની પ્રતિજ્ઞા લીધી જ હતી.

જપ્તીના રિપોર્ટો ગામડાંમાંથી મુખ્ય મથકે આવવા લાગ્યા. તેમાંથી તારવીને થોડા દાખલા નીચે આપ્યા છે :

૧. એક લુહાણા ગૃહસ્થને રૂા. ૪-૧૪-૦ ભરવાના હતા તેને ત્યાંથી પેટલાદ મિલનો રૂા. ૧૦૦નો શૅર જપ્તીમાં લીધો.

૨. રાસમાં એક પાટીદારને રૂા. ૭-૫-૦ ભરવાના હતા તે માટે પંદર દિવસ ઉપર જ વિયાયેલી દોઢસો રૂપિયાની કિંમતની ભેંસ તેની કિંમત રૂા. ૧૦૦ આંકીને લીધી.

૩. દાવોલમાં એક પાટીદારની ભેંસ છોડવા માંડી પણ ભેંસ મારકણી હતી એટલે ન છોડી શક્યા.

૪. દાવોલમાં મામલતદાર જેઓ મુસલમાન છે તે ઘરમાં પેસી અંદરથી ઘી અને તેલની બરણીઓ જાતે બહાર કાઢી લાવ્યા. મુખી, મતાદાર અને રાવણિયાએ ઠરાવ કર્યો છે કે કોઈના ઘરમાં પેસી કોઈ વસ્તુ આપણે જપ્તી લેવી નહીં.

૫. નાપામાં જપ્તી કારકુને મુખીને એક ઘરમાં જઈ વાસણ લાવવાનું કહ્યું. મુખીએ જણાવ્યું કે મારું કામ ઘર બતાવવા માટે તમારી સાથે ફરવાનું છે. અમારી ફરજ વાસણો કાઢવા માટે ઘરમાં પેસવાની નથી.

૬. એ જ ગામમાં બે ઘેરથી દૂઝણી ભેંસો પાડીઓને ઘેર રાખી જપ્તીમાં લીધી.

૭. અલારસા ગામમાં મામલતદારે જપ્તીમાં કોઠીઓમાંથી દાણા કાઢીને લીધા. એક પાટીદારની કોઠીમાંથી દાણા કાઢતાં કલ્લાંની બે જોડ રૂા. ૯૯ની નીકળી તે રૂા. ૭-પ-૦ ના વેરા બદલ જપ્તીમાં લીધી. ઠાકરડાઓને બોલાવીને મામલતદારે કહ્યું : “તમારામાં આ વેરો ભરવાની તાકાત ન હોય તો ચોરી કરો અગર કોઈને ત્યાંથી વ્યાજે લાવો અગર લૂંટી લાવો ! ગમેતેમ કરો પણ અમારો વેરો ભર્યા સિવાય છૂટકો નથી. તમારી જમીન અને ઘરો હરાજ થશે અને તમે ગરીબ લોકો ખુવાર થશો માટે વેરો ભરી દો.” ઠાકરડાઓએ મામલતદારની સમજૂતી ગ્રહણ ન કરી.