પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૨
સરદાર વલ્લભભાઈ

રા○ સા○ દાદુભાઈ દેસાઈના પ્રમુખપણા નીચે થઈ અને વધારાની રકમ ન ભરવાનો ઠરાવ કર્યો. આ બધાની કશી અસર ન થઈ અને કીસના હપ્તા નવા દર પ્રમાણે વસૂલ કરવાના તલાટીઓ ઉપર હુકમ નીકળ્યા.

આ સંજોગોમાં લોકોએ શું કરવું ? તેઓ સરદાર પાસે ગયા. પણ તેમણે જવાબ આપ્યો કે ધારાસભાના સભ્યો તમને દોરી રહ્યા છે ત્યાં તેમના કામમાં વચ્ચે પડવું એ મને શોભે નહીં. ધારાસભાના સભ્યોએ લોકોને સાફ કહી દીધું કે અમારાથી હવે કશું થાય એમ નથી અને હવે તમારે બીજું જે કાંઈ કરવું હોય તે કરો. આમ તેમની સલાહ અને સંમતિ મેળવીને લોકો ફરી પાછા સરદાર પાસે ગયા. આ વખતે તેમની સાથે તાલુકા સમિતિના મંત્રી ખુશાલભાઈ તથા બારડોલી તાલુકાના બીજા કાર્યકર્તાઓ શ્રી કુંવરજીભાઈ, કલ્યાણજીભાઈ, કેશવભાઈ વગેરે હતા. સરદારે શાંતિથી તેમની વાત સાંભળી, કંઈક આશા આપી અને કહ્યું: ‘તમે પાછા બારડોલી જાઓ, એકલો વધારો જ નહીં, પણ આખું મહેસૂલ ન ભરવા ખેડૂતો તૈયાર હોય અને તેમ કરતાં છેક ફના થવા તૈયાર હોય તો હું આવવા ખુશી છું. તમે આખા તાલુકામાં ફરી વળો અને લોકો શું કહે છે તથા કેટલા તૈયાર છે તેની તપાસ કરી મને જણાવો.’

આ વાત તા. ૨૦મી જાન્યુઆરીના અરસામાં બની. કીસનો હપ્તો પમી ફેબ્રુઆરીથી શરૂ થતો હતો. એટલે આઠદસ દિવસમાં જ તપાસ કરવાની હતી. રાત કે દિવસ જાણ્યા સિવાય આખો તાલુકો કાર્યકર્તાઓ ખૂંદી વળ્યા અને ઘણાંખરાં ગામનો અભિપ્રાય જાણી લઈ તેઓ પાછા અમદાવાદ આવ્યા. આ વખતે તેઓ પોતાની સાથે દરબાર સાહેબ તથા પંડ્યાજીને અને રવિશંકર મહારાજને પણ લાવ્યા હતા. સરદારની સાથે બધું મંડળ આશ્રમમાં ગાંધીજી પાસે ગયું. સરદારે ગાંધીજીને કહ્યું કે પોતે કેસ તપાસી ગયા છે અને લડત વાજબી લાગે છે. સરદારે નિશ્ચય કરી લીધો છે એમ જાણતાની સાથે જ ગાંધીજી બોલ્યા : ‘ત્યારે મારે તો એટલું જ ઇચ્છવું રહ્યું કે વિજયી ગુજરાતનો જય હો.’

તા. ૪થી ફેબ્રુઆરીએ સરદાર બારડોલી પહોંચ્યા. તે દિવસે તેમના પ્રમુખપણા નીચે આખા તાલુકાના ખેડૂતોની પરિષદ રાખવામાં આવી હતી. તેમાં ૮૫૦ ગામના નાનેથી મોટા ખેડૂતો આવ્યા હતા. બધાની ખૂબ ચકાસણી કરી જોયા પછી સરદારે જાહેર ભાષણમાં તેમને ગંભીર ચેતવણી આપી :

“મારી સાથે ખેલ ન થાય. બિનજોખમી કામમાં હું હાથ ઘાલનારો નથી. જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઊભો રહીશ. ૧૯૨૧માં આપણી કસોટી થવાની હતી પણ ન થઈ. હવે સમય આવ્યો છે. પણ