પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૯
બારડોલી સત્યાગ્રહ


“બારડોલીની પ્રજાએ દેવાળું નથી કાઢ્યું, તેમ તે દેવાળું કાઢવાની અણી ઉપર પણ આવેલો નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજી પણ વધતી જ જાય છે અને દેવાળાનું એક પણ ચિહ્ન નજરે દેખાતું નથી. હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક પેલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેમની કાઉન્સિલના જ પાકા વિચાર મૂકવામાં આવ્યા હતા અને એ નિર્ણય છેવટનો છે એમ આપ સમજશો. . . . હજી આ સંબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તો જિલ્લાના કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરશો.”

સરકારની સંમતિ લઈને સરદારે આખો પત્રવ્યવહાર વર્તમાનપત્રોને પ્રસિદ્ધિ માટે આપ્યો અને તે સાથે કાગળ લખ્યો, તેમાં સરકારની આડાઈને બરાબર ઉઘાડી પાડી. સત્યાગ્રહનો ઉદ્દેશ કેટલો પરિમિત હતો તે સમજાવતાં તેમણે જણાવ્યું :

“બારડોલી સત્યાગ્રહનો હેતુ પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે તે બાબતમાં નિષ્પક્ષ પંચ માગવાનો સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની અનિવાર્ય માગણી ઉપર આગ્રહ રાખ્યો છે. સેટલમેન્ટ ઑફિસરના રિપોર્ટના વાજબીપણાને મેં ઇનકાર કર્યો છે, તેમ સેટલમેન્ટ કમિશનરે જે ધોરણે કામ લીધું છે તે ધોરણના વાજબીપણાનો પણ મે ઇનકાર કર્યો છે. સરકારની ઇચ્છા હોય તો એની તપાસ કરીને મને ખોટો ઠરાવે.”

પણ રેવન્યુ ખાતાના મુખ્ય અમલદારો તો એ ગુમાન રાખીને ફરતા હતા કે જમીનમહેસૂલની બાબતમાં અમારા નિર્ણયની આડે આવવાનો કોઈને અધિકાર નથી. લોકો પોતાના કાંઈ વાંધા કે મુશ્કેલીઓ હોય તે અમને જણાવે. અમે તેના ઉપર વિચાર કરીએ, તપાસ કરીએ અને ત્યાર પછી છેવટના હુકમ કાઢીએ તે બ્રહ્માના અક્ષર. એની સામે કોઈની તકરાર ન ચાલે. સર્વસત્તાધિકારી સરકાર અને તેના હુકમનું પાલન કરવા બંધાયેલી રૈયત, એ બેની વચ્ચે પંચ કેવું ? ખેડા જિલ્લાની લડત વખતે કમિશનર પ્રૅટ સાહેબ આ જ વચનો બોલતા હતા. અહીં એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે, કે રેવન્યુ ખાતાના મંત્રી મિ. સ્માઈથ સરદારની સાથે આ તુમાખીભર્યો પત્રવ્યવહાર ચલાવી રહ્યા હતા અને તેમને તથા તેમના સાથીઓને ‘બહારના’ કહી તેમનું અપમાન કરતા હતા, બરાબર તે જ વખતે ( તા. ૨૦ મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ) નાણાં ખાતાના મંત્રી સર ચૂનીલાલ મહેતા એ ‘બહારના'ની રેલસંકટનિવારણને અંગે તેમણે તથા તેમના સાથીઓએ કરેલી સેવાની ભારે તારીફ કરી રહ્યા હતા. આ રહ્યા તેમના શબ્દો : “આજે મહાત્મા ગાંધીને અતિશય