લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૨
સરદાર વલ્લભભાઈ


બારડોલી તાલુકાના લોકોની સાખ ‘સુંવાળા’ હોવાની હતી. અમલદારોએ ધારેલું કે જરાક લાલ આંખ કરીશું એટલે મહેસૂલ તો લોકો ચોરામાં આવીને આપી જશે. પણ તેમને બરાબર જાગ્રત અને ટટ્ટાર રાખવા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની છાવણીઓ બરાબર ગોઠવાઈ ગઈ હતી. એટલે લોકોએ અમલદારોની ધાકધમકી, મારઝૂડ અને પ્રપંચો સામે ઠીક ટક્કર ઝીલવા માંડી. સરદાર તેમની નાડ પારખતા ગયા અને તેમને પચે એવી દવા આપતા ગયા તથા ધીમે ધીમે તેની માત્રા વધારતા ગયા. લડતની શરૂઆતના દિવસોના એક ભાષણમાં લોકોને લડતનો રંગ ચઢાવતાં તેમણે કહ્યું :

“સરકાર કહે છે, તમે સુખી છો. મને તો તમારાં ઘરોમાં નજર નાખતાં તમે બીજા જિલ્લાના ખેડૂતો કરતાં સુખી હો એવું કશું જોવા મળ્યું નથી. હા, તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો ખરા. તમને તકરારટંટો આવડતાં નથી. એ તમારો ગુણ છે. પણ તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. એ તો બીકણપણુંં છે. આ તાલુકામાં રાતના બાર એક વાગ્યે હું ફરું છું. પણ મને કોઈ ‘કોણ’ એમ પૂછતું નથી. રવિશંકર તો કહે છે કે આ તાલુકાનાં ગામોમાં અજાણ્યાને કૂતરું પણ ભસતું નથી અને ભેંશ શિંગડું મારવા પણ આવતી નથી ! આ તમારી અસરાફી જ તમને નડી છે. માટે આંખમાં ખુમારી આવવા દો અને ન્યાયને માટે તથા અન્યાયની સામે લડતાં શીખો.”

એટલામાં એક અમલદાર વાલોડના એ વણિક ખાતેદારોને પોતાની પ્રપંચજાળમાં ફસાવવામાં ફાવ્યા. ઘરમાં સહેજે હાથ આવે એવી રીતે નાણાં રાખીને જપ્તી થવા દેવાની સલાહ તેમણે માની અને મહાલકારીને એકના ઘરમાંથી રૂ. ૧,૫૦૦ની અને બીજાના ઘરમાંથી રૂ. ૭૮૫ની નોટો સહેજે મળી રહી. વાલોડના લોકોને આ વાતની ખબર પડતાં તેમના પ્રકોપનો પાર ન રહ્યો અને એ બે જણનો આકરો બહિષ્કાર કરવાનો તેમણે નિશ્ચય કર્યો. સરદારને આ વાતની ખબર પડતાં તેઓ મોડી રાતે વાલોડ પહોંચ્યા. લોકોને શાંત પાડતાં તેમણે કહ્યું :

“તમને આ કૃત્યથી બહુ રાષ ચઢ્યો છે એ સ્વાભાવિક છે, પણ રોષના આવેશમાં કશું કરશો નહીં. ટેકો દઈને તમે જેમને ઊભા રાખવા મથશો તે ઠેઠ સુધી કેમ ચાલશે ? . . . આપણે સરકાર જોડે લડવા નીકળ્યા છીએ. આપણા જ નબળા માણસો સાથે અત્યારે આપણે લડવું નથી. એમની સાથે લડીને તમે શું કરશો ? . . . હું સાંભળું છું કે હજી બીજા બે ચાર એવા નબળા છે. તેમને સંભળાવી દો કે પ્રતિજ્ઞા તોડી ભરવું