પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૪
સરદાર વલ્લભભાઈ

“ ફાસીઝમ અને નાઝીઝમનાં ધ્યેયો અને આચરણો વિષે તથા યુદ્ધ, હિંસા અને માનવી આત્માના દમનના તેમના ગુણગાન વિષે કૉંગ્રેસે વખતોવખત નાપસંદગી જાહેર કરી છે. તેમણે ફરી ફરીને જે હુમલા કર્યા છે અને સભ્ય વર્તનના ચિરસ્થાપિત સિદ્ધાંતો અને સ્વીકૃત ધોરણાની જડ ઉખાડી નાખી છે, તેને કૉંગ્રેસે વખોડી કાઢેલાં છે. સામ્રાજ્યવાદની સામે પણ હિન્દી પ્રજા ઘણાં વરસાથી લડતી આવી છે. ફાસીઝમ અને નાઝીઝમમાં તેનું જ ઉગ્ર રૂપ કૉંગ્રેસને દેખાય છે. તેથી જર્મનીની નાઝી સરકારે પોલૅંડની સામે જે છેલ્લો હુમલો કર્યો છે તેને આ કારોબારી સમિતિ વિના સંકોચે વખોડી કાઢે છે અને તે હુમલાનો સામનો કરનારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે.

“ કૉંગ્રેસે એમ પણ જાહેર કર્યું છે કે હિન્દુસ્તાનને માટે યુદ્ધ કે શાન્તિના પ્રશ્નનો નિર્ણચ હિન્દી પ્રજાએ પોતે જ કરવો જોઈએ. કોઈ પણ બહારની સત્તા પોતાનો નિર્ણય તેને માથે લાદી શકે નહીં, તેમ જ હિંદી પ્રજા પોતાની સાધનસામગ્રીનો ઉપયોગ સામ્રાજ્યવાદી હેતુઓને માટે થવા દઈ શકે નહીં. પ્રજાએ પસંદ નહીં કરેલા હેતુઓ માટે હિંદની સાધન-સામગ્રીનો ઉપયોગ કરવાનો બહારની સત્તાએ જે નિર્ણચ કર્યો છે અને તે માટે જે પ્રચના તે કરે છે તેનો પ્રજાએ ખસૂસ સામનો કરવો રહ્યો.

"કોઈ સારા કામમાં સહકાર જોઈતો હોય તોપણ તે ફરજ પાડીને કે બળજબરી કરીને મેળવી ન શકાય. બહારની સત્તાએ કાઢેલા હુકમનો અમલ થવામાં હિંદી પ્રજા સંમતિ આપી શકે નહીં. સહકાર તો, સમોવડિયા વચ્ચે, પરસ્પર સંમતિથી અને બંને જેને સત્કાર્ય તરીકે સ્વીકારે તેને સારુ હોઈ શકે.

“ હિદની પ્રજાએ ગયાં થોડાંક વરસોમાં આઝાદી મેળવવા માટે અને દેશમાં લોકશાસનવાળુ સ્વતંત્ર રાજ્ય સ્થાપવા માટે મહાસંકટો વેઠ્યાં છે અને ભારે આપભોગો આપ્યા છે. તેની સહાનુભૂતિ સર્વાંશે લોકશાસન અને સ્વતંત્રતાની તરફ છે.

"પણ જ્યારે લોકશાસનવાળી સ્વતંત્રતા પોતાને આપવામાં ન આવતી હોય, ને પોતાને જે મર્યાદિત સ્વતંત્રતા મળેલી છે તે છીનવી લેવામાં આવતી હોય, ત્યારે સ્વતંત્રતા માટે લડાતાં કહેવાતા યુદ્ધમાં તે સાથ આપી શકે નહીં.

“ આ સમિતિને ખબર છે કે ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સની સરકારે એવું જાહેર કર્યું છે કે તેઓ લોકશાસન અને સ્વતંત્રતા માટે અને અન્યાયી આક્રમણનો અંત આણવા માટે લડે છે. પણ ગયાં થોડાંક વરસનો ઇતિહાસ એવા દાખલાથી ભરેલો છે, જેમાં મોઢેથી ઉચ્ચારેલા શબ્દો અને જાહેર કરેલા આદર્શો વચ્ચે અને સાચા હેતુઓ અને ધ્યેયો વચ્ચે સતત અંતર રહેલું છે. ૧૯૧૪–૧૮ની લડાઈમાં લોકશાસનની, નાનાં રાષ્ટ્રના આત્મનિર્ણચની અને સ્વાતંત્ર્યની રક્ષા એ યુદ્ધના ધ્યેય તરીકે જાહેર થઈ હતી. છતાં જે સરકારોએ એ ગંભીરપણે જાહેર કર્યાં હતાં તેઓ જ તુર્ક સામ્રાજ્યના ભાગલા પાડવા માટેની યોજનાઓથી ભરેલા છૂપા કરારોમાં ઉતરી હતી. પોતાને તસુ પણ મુલક મેળવવો નથી એમ કહેવા છતાં વિજેતા રાષ્ટ્રોએ પોતાના તાબાના મુલકમાં મોટા ઉમેરા કરી લીધા હતા. યુરોપની અત્યારની લડાઈ બતાવે છે કે વર્સાઈનું તહનામું અને તેના કર્તાઓ