પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૫ મું.

રોજાને પાછલે દ્વારથી બે ચેલાએ ને સુંદરે ગરબડી મુકી. આગળ ચેલા ને પાછળ સુંદર, ચેલા જાણે અમારી કેડે બ્રાહ્મણ પડ્યા છે, ને સુંદર જાણે મારી પછવાડે પણ છે. ઉભાં રહી પુંઠે જોવાની છાતી ચાલે નહીં, જીવ લઈને નાઠાં જાય. ચેલા જોરાવર હતા તેથી બહુ આગળ નિકળી ગયા ને સૂર્યોદય થયા પહેલાં તેમણે ઘણા ગાઉ કાપ્યા. સુંદર થોડા ગાઉ ગઈ એટલે છેક થાકી ગઈને ઝાડતળે બેસી વિલાપ કરવા લાગી.

એવું બન્યું કે મોડાસાનો થાણદાર હસનખાં પઠાણ મૃગીયા રમવા ગયો હતો, ને તેનો તંબુ સુંદર બેઠી હતી તહીંથી થોડે અંતરે હતો. મોટી સવારે ઉઠી બહાર ખુરશી મુકાવી હુકો પીવા બેઠો છે, એવામાં કોમળને તીણે સાદે કોઈ રોય છે એવી તેને ભ્રાંતી પડી. હુકાની નળી મુખમાંથી કાઢી અવાજ આવ્યો. તેણી ગમ કાન દીધો. છોકરૂં કે સ્ત્રી રૂદન કરે છે એમાં શક રહ્યો નહીં. પોતાના ખીજમદગારને કહ્યું જુવો પેલું કોણ રડે છે, તેને અહીં બોલાવી લાવો. ખીજમદગારે સુંદરને લાવી તેની આગળ ઉભી કરી. સુંદરથી તો બોલાય નહીં, દશકાં માય નહીં, ને પરસેવાના ઝરણ વહ્યા જાય. પઠાણે મસ ધીરજ આપી છાની રાખીને તેની બધી વાત પુછી લીધી. જે સખ્તમાર એના વરે એને માર્યો હતો તેની નિશાનીઓ હજી રહી હતી તે પઠાણે જોઈ.

સુંદર કહે જ્યારથી હું સાસરે રહેવા ગઈ છું ત્યારથી આજ સુધીમાં મારો માટી મને ઘણી ઘણીવાર મારી ચુક્યો છે, ભાંડ્યા વગરનો કોઈજ દિવસ ગએલો. પ્રથમ મારો વર નઠારો નહતો; મારા ઉપર હેત કરવાની એના મનમાં ઇચ્છા હતી ખરી. પણ મારી સાસુએ ને નણંદે એનું મન ફેરવ્યું, એ મારાં કટ્ટા શત્રુ થઈ એવા પુંઠે લાગ્યા કે કેડો છોડ્યો નહીં. મારો જેઠ એના કહ્યામાં રહેતો નહીં ને તેથી તેને તેની વહુ જોડે બનતું. મારા વરને રાજી રાખવાને મેં મારાથી જેટલું થાય તેટલું કર્યું, પણ એ ચંડાળ સાસુએ મારૂ કાંઈ ચાલવા દીધું નહીં. ને એટલે લગી વાત આવી કે મારો જીવ લેશે કે મારે કાઢવો પડશે, ત્યારે જ હું મારી જેઠાણીનું કહ્યું માની વસીકરણ કરાવવા એ સાઈની કને ગઈ. એનું પરીણામ એ થયું જે આ વગડામાં હું અભાગ્યણી પકડાઈ. મારે તમારી પાસે એ માગવાનું છે કે મારૂં શીર કાપી નાંખો, કે કોટે પથરો બાંધી કુવામાં નાંખો; હું સતી છું, મેં આજ લગી કુડું કામ કર્યું નથી ને હવે કરવાની નથી. મને