પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૪૯
 

માતી. એ ખાનારો કહેવો જબરો હતો તેનો સુમાર આપણે એ ઉપરથી બાંધી શકીએ કે, એક વખત કોઈ ગૃહસ્થ દેસાઈએ નાત જમાડી તે દહાડે કંસાર ઉપર છુટાં ઘીને ખાંડ પીરસ્યાં. કેટલાક માણસો નાતમાં ખાય છે તેની જોડે ચોરે છે, એવી ચોરી પકડવાને તે ગૃહસ્થ આસપાસ સિપાઈ રાખ્યા હતા. નાત જમીને ઉઠીને ઢેડ પડવાની ગરબડમાં રમાનંદ જેવા બાહાર જાય છે તેવા સિપાઈએ ઝાલ્યા. હો હો થઈ ગઈ, શું છે શું છે એમ કહેતાં બ્રાહ્મણોનું ટોળું વળ્યું. બીજા સિપાઈ ન આવી પહોંચ્યા હોત તો જેણે રમાનંદને પકડ્યો હતો તેને ભટો મણની પાંચશેરી કરત, ને છીયાની કંઠી કાપતો હતો એવું બુતાનુ તેને શીર મુક્ત. રમાનંદ કહે મારા ચંબુમાં ઘી નથી, પાણી છે; સિપાઈ કહે નહીં ઘી છે, લાવ દેખાડ. શોર બકોર સાંભળી દેશાઈ આવી પહોંચ્યા, ને પુછ્યું શું છે. સિપાઈ કહે એના ચંબુમાં ઘી છે. રમાનંદ કે જુવો આ પાણી છે. લો હું પી જાઉં છું, એમ કહી ચંબુ મોઢે માંડ્યો તે ઝપાટાબંધ ત્રણ શેર ઘીનો ભરેલો ખાલી કર્યો. ભર્યા પેટમાં એટલું ઘી માય નહીં એમ કહેશો નહીં, ગૃહસ્થોમાં અને બ્રાહ્મણોમાં એવા માણસો છે. એક બ્રાહ્મણને હું ઓળખું છું, જેણે નાતમાં જમી આવીને એક રૂપીઆની છશેર બરફી, આદુ કે મીઠની ગાંગડી જોડે લીધા વિના થોડા વરસપર ખાધી હતી. ને શરત બકેલો રૂપીઓ ખસોટે ખોસી ઘેર ગયો. બીજે દહાડે તેને મુરછી બુરછી કાંઈ થઇ નહીં. એવા એક ગૃહસ્થને પણ જોયો છે. રમાનંદ જમવામાં એવો વકોદર, વાતો કરવામાં ચપળ, ને નાતમાં કાંઈક વજનદાર હતો, તોએ ઘરમાં ધણીઆણી કે છોકરી આગળ કાંઈ ચાલતું નહીં. શિખામણ દેવા કે ડહાપણ કરવા જાય કે ઝાપટી પાણીથી પાતળો કરી નાંખે. એ તરફનો ખેદ મનમાંથી દૂર કરવાને તે ઘણી ભાંગ પીતો હતો. એ ધારતો કે મારે બે દીકરા ને એક દીકરી છે, એ ત્રણે પરણેલાં છે. મોટાં થયાં છે ને સુખી છે, ત્યારે મારે તેમની ભાંજગડમાં શાને પડવું જોઈએ. એમ વિચારી સંતોષ માની ઘરમાં જે થાય તે જોયાં. કરતો. તેના અવલોકનમાં આવ્યું હતું કે જેમ ઘેર ઘેર માટીના ચુલા છે" તેમ બહાનું ચલણ છે; પુરૂષોનું સંસાર વહેવાર થોડું ચાલે છે.

એના વડા પુત્રનું નામ વીજીઆનંદ હતું. હરિનંદમાં ને તેમાં એટલો ફેર હતો કે તે જરાક સ્વતંત્ર વિચાર કરી શકે તેવો હતો. વીજીઆનંદ પોતાની માની ને બેનની શીખવણી પ્રમાણે વગર વિચારે વર્તે તેવો ન હતો તેથી તેમના કહેવા પર ભરોસો રાખતો નહી, ને હરિનંદની પેઠે ભરમાતો નહીં માને વહુ લઢતાં હોય તો વખતે કહેશે છો વઢી મરતાં, ને વખતે બંનેને ધમકાવે.

એની મા અનપૂણા ને બેન કમળા બંને ઘણાં હારૂનબઇરાં ગણાતાં. કમળાનાં સાસુ સસરો મરી ગયાં હતાં. અને વર નબળા મનનો હતો. તેથી સાસરે કોઈ પુછનાર મળે નહીં, ને પીએર લાડકી હતી માટે અહી વર્તતામાં હરકત પડતી નહીં. એવું પણ કહેવાય છે કે કોઈવાર રાત્રે મરદના લુગડાં પહેરી બહાર નિકળતી. સારી સ્ત્રીઓમાં લાજ, શરમ, વિવેક, ને નરમાશ હોય છે, તે તેનામાં નહોતાં અનપૂણા બાહાર લોકમાં તો સભ્ય, ભલી, ને જેના બોલવાનાં ડહાપણનો પાર નહીં એવી હતી, પણ ઘરમાં કઠોર, નિરદય અને જુલમી હતી. તે એમ સમજતા કે વહુવારુઓ દાગીઓ છે. તેમના ઉપર જુલમ કરવો એમાં પાપ નથી. પોતે પોતાના સાસુ તરફથી બહુ દુખ વેઠ્યું હતું. તેથી જ્ઞાની ન થતાં ઉલટી દુષ્ટ થઈ હતી.