પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૫૩
 

તેમાં હરીઓ સન્યાશી રહે છે તેના મકાનમાં ગઈ અસાડી પુનેમે શું બન્યું હતું ? કોણ તેથી અજાણ્યું છે? આખો મૂલક જાણે છે. બસેં આદમીના દેખતાં માંસ મદિરા ખાઈ પી અલમસ્ત થઈને તોફાન કરનારાનાં નામ તમે સહુ જાણો છો; એક બે હોય તો ડર પણ પચીશ પચાશ થયા તેમને શાનો ભય ! નાગર બ્રાહ્મણના છોકરા, આજે જેઓ પત્રાજી કરે છે તેમના ઘરના, શું શું કરે છે તે કહી સંભળાવું ? આજ શાસ્ત્રને કોણ માને છે ? શાસ્ત્ર પ્રમાણે કોણ ચાલે છે ? કહો એટલા અનર્થ બતાવું.'

વિજીઆનંદ કહે એમ મભમ શાને રાખો છો. લો. હું નામ દઉં.

એ સાંભળી પાંચ સાત જણે મળી તેને બોલતો અટકાવ્યો, ને કહ્યું ભાઈ એથી ટંટો વધશે, ને મારા મારી થશે. આજ લઢાઈ પતાવવા મળ્યા છીએ, વધારવા નથી મળ્યા. વળી પેલા ગૃહસ્થ નાગરો આપણામાં પગ ઘાલવા આવશે, બાર ગામવાળા જાણશે માટે છાનામાના માંહોમાંહે પતાવી દો. નાત ગંગા છે. નાત જમી રહે છે ને ઢેડ પડે છે, બધાને અડે છે. કોણ ઘેર જઈ નહાય છે ?

જગન્નાથ પાઠક – ભૂદેવો મારી વિનંતિ સાંભળશો. તમે સૌ જાણો છો કે મારે કોઈનો પક્ષ નથી. આ દવે, જાની, ને દિક્ષિત બોલ્યા, એમાં નાતને શો લાભ છે ? કાંઈ નહીં. ઉલટું નુકસાન છે. એથી વેર વધે છે; એથી પરનાતિઓમાં આપણી હાંસી થાશે, તિરસ્કાર થાશે. હુંતો સાચું હશે તે કહીશ. કાળ નઠારો છે, તેનાં ફળ આપણી જ્ઞાતિમાં દેખીએ છીએ. ને બીજીઓમાં પણ દેખીએ છીએ; ઔદિચ, મોઢ, મેવાડા, શ્રીમાળી, રાયકવાળ, આદિ બ્રાહ્મણોમાં પણ એવું જ છે, વાણીઆ ને કણબીમાં એ છે. તેઓ કહે છે કે જુલમથી બચવાના બે ઉપાય છે, જુલમ કરનારનો પરાજય કરવો, અથવા તેને છેતરવો. પોતપોતાની જ્ઞાતિની જોડે જયપૂર્વક હાલ લઢી શકતા નથી માટે ગુપ્ત રીતે કરીને કે જુઠું બોલીને છેતરીએ છીએ. હવે વધારે શું કહું ! આપણી જ્ઞાતિમાં વિરોધ ઘાલવો એ ખોટું છે. એનું પરિણામ રૂડું નહીં થાય. નાત ગંગા છે, ને સહુ સહુની જ્ઞાતિના ધણી છે. આગળ આપણામાં ચમારનું અને મોચીનું એવાં એ તડ પડ્યાં હતાં, એવું સાંભળ્યું છે; ૨૫) વરસ સુધી વઢી મુવા પછી પાછા એકઠા થયા, આખી દુનિઆએ ફજેતી જોઈ, હજારો રૂપિઆ ફોગટ ખરચ થયા, ને ઘેર ઘેર કંકાસ કલેશ ચાલ્યો હતો. એવું આપણા વખતમાં માતાજી ન થવા દે. આ પાંચ વૃદ્ધ બેઠા છો તેઓ મળીને તોડ કાઢો કે થયું.

પટેલનું વચન સર્વે માન્ય રાખ્યું, ને ઠેરવ્યું કે ચંદાગવરી અંબા માતામાં સવાશેર ઘીનો દીવો કરે, હરિનંદ છૂટે ત્યારે જનોઈ બદલી દશરૂદ્રી કરાવે, એક ગૌદાનનો રૂ. ૧| નાતને દંડ આપે ને ધારા પ્રમાણે નાતો જમાડવા ઉપરાંત સુંદરને નામે ૧૨૫ બ્રાહ્મણ ને ૭પ ગોરણી જમાડે.

એ વાત રમાનંદ પંડ્યાએ સ્વિકારી, ને ત્રીજે દહાડે તેરમાની નાતનાં નોતરાં ફેરવ્યાં, કેમકે સામાન બધો ઘરમાં તૈયાર હતો તે બગડતો હતો. ચુરમા (છુટા લાડુ)નું જમણ કર્યું. બારપર ત્રણ વાગવા આવ્યા કે નાતના લોકે આવવા માંડ્યું. સ્ત્રીઓ અબોટીઆં ને ઘરેણાં ગાંઠાં પહેરી ઠમ ઠમ કરતી ચાલી આવે, મનમાં પૂર હરખ કે આજ તો છુટાં ઘી ખાવાનાં છે. બ્રાહ્મણોનો વેશ જેવા જેવો હતો. ડોકમાં દોરા કંઠી, હાથે બાજુ કે પોંચી, કાને કડીઓ