લખાણ પર જાઓ

પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
શિવાજીની સુરતની લૂટ

પહેરી, બખ્તર સજી, ઘોડાને કુદાવતી, બન્ને સુંદરી સેનામાં આવી ઉભી રહી ત્યારે કોઈએ તેમને પીછાનીએ નહિ.

“મણી, આજનો રંગઅખાડો ઘણો બાંકો છે નહિ વારુ ?” મોતીએ ચાલતાં ચાલતાં પૂછ્યું.

“સખી, આપણા નસીબમાં કંઈ વિશેષ જ લખેલું હોય તેમ જણાય છે.” મણીએ હસ્તે મુખે કહ્યું, “આજનું સઘળું માન તો તને અને તારી સાહેલી પેલી મરાઠણને ઘટે છે ! પણ મારું વામ નેત્ર ફરકે છે તે સુચિહ્‌ન શા માટે હશે ? ખરેખર શકુન બહુ હર્ષભરેલાં છે. જો જો બહેની, પેલું હરણ પણ નાચતું કુદતું ગેલ કરી આપણને આવકાર દે છે.”

“તું હજી ઘણી ભોળી છે !” મોતીએ ઠપકો દીધો. “શકુન અપશકુનનો ભાવ બોલવાનું કશુંએ કારણ નથી. જ્યાં પૂર ઉરના ઉમંગથી કામ કરવા મંડ્યાં ત્યાં અપશકુન શકુન થાય છે ને થંડાંગાર થઈને બેસીએ તો શકુન પણ કંઈ કરતાં નથી. તારે માનવું કે આવી વહેમી વાતોથી કોઈ પણ પ્રકારે લાભ થવાની તો આશા જ નથી.”

આમ વાતો ચલાવતાં થોડેક દૂર ગયાં. મરેઠી સેનાએ સૌના આવવાનો પડઘો જોયો. એટલામાં એક સિપાઈએ તીર ફેંકયું, મોતીના સામું જ તે તાક્યું હતું, પણ તે ચેતી બાજુએ ખસી ગઈ, ને નવરોઝને કહ્યું, “અમીર દિલના નવરોઝ, સાવધ થાઓ, બાણો છૂટવા લાગ્યાં છે અને સંગ્રામ સમય નજીક છે.”

“મોટા મનની તરુણી,” નવરોઝે શબ્દ લલકાર કીધો. “બેફિકર રહે, અલ્લાહની મદદ પૂરતી છે તો આપણને ઇજા થનાર નથી. જો એનું બાણ કેવું વ્યર્થ ગયું છે. મારા પ્રિય સિપાહીઓ,” પોતાના લશ્કર તરફ ફરીને તે બોલ્યો, “તેમના ભાથાને માથાં જ નથી, ને તેમના ભાલાની અણીને કાતિલ ઝેર પાયેલું જ નથી. આપણને એ જંગલી રીતનું પણ અભિનંદન છે, તેઓ ગમે તેવા જંગલી, જડ અને અક્કલશૂન્ય છે. તે