લખાણ પર જાઓ

પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
પરિશિષ્ટ

હોત, જ્યારે એ લૂટ ચાલતી હતી ત્યારે શિવાજી ભાગળ બહાર હતો. એક સ્મીથ નામનો અંગ્રેજ, જેને બંધવો કરી શિવાજી કને લઈ ગયા હતા, તેણે છુટ્યા પછી કહ્યું કે, શિવાજી તંબુમાં બેઠો હતો ને પોતાના માણસોને હુકમ આપ્યા કરતો હતો, કે જે લોક પોતાની દોલત છુપાવતા હોય તેઓના હાથ ને માથાં કાપી નાંખવા. તે સ્મીથ લખી ગયો છે કે તે વખત સુરતનો કોટ માટીનો હતો, ને ઇંટનો બનાવવાનો નવાબને હુકમ મળ્યો હતો. ૧૬૬૬ માં તે બંધાતો હતો એમ વળી એક જણ કહે છે.

અંગ્રેજોએ શહેરના કેટલાક શાહુકારોને શિવાજીની લૂંટથી બચાવ્યા હતા. માટે તેઓની તારીફ નવાબે બાદશાહને લખી ને તે ઉપરથી કંપની પાસેથી ૩ાા ટકા જગાત લેવાને બદલે એક ટકા લેવાનો ઠરાવ થયો.

સને ૧૬૭૦ ની ૩ જી અક્ટોબરે વળી પાછો બીજીવાર શિવાજી ૧૫૦૦૦ ની ફોજ લઈને સુરત આવ્યો. તે વેળા શિવાજીનું ફાવત નહિ એવો ફોજ વગેરેનો બંદોબસ્ત હતો, પણ સપ્ટેંબરમાં શહેરનો હાકેમ મરી ગયેથી તેની જગો ખાલી પડી હતી અને કિલ્લામાંના સારા લડવૈયા બીજે ઠેકાણે ગયા હતા. રૈયતને તો શું પણ કિલ્લાને બચાવી શકે એટલા આદમી પણ તે સમે હાજર નહોતા. શિવાજીએ ત્રણ દહાડા શહેર લૂટ્યું પણ એટલામાં અમદાવાદથી મોગલ ફોજ આવી પુગી એટલે જતી વખતે તે કાગળ નાંખતો ગયો કે શહેરના લોક જો દર વર્ષે ૧૨ લાખ રૂપીઆ આપ્યા કરશે તો ફરીથી તેઓને લૂટવામાં નહિ આવે. એ વખત પણ અંગ્રેજોએ પોતાનો બચાવ સારી રીતે કીધો હતો. વલંદાની કોઠી તો દૂર ખૂણામાં એટલે ત્યાં તો મરેઠા ગયા જ નહિ. શિવાજી ધમકી આપી ગયો છતાં પણ તે પાછી ત્રીજીવાર આવ્યો નહોતો.

ફ્રાન્સીસે (ફ્રેન્ચ લોકોએ) મરેઠાઓને પોતાની લાતીમાંથી જવા દીધા તેથી એક તાતાર દેશનો તવંગર સારી પેઠે લૂટાયો.

(નોંધઃ-ઉપર પ્રમાણેની હકીકત કવિ નર્મદાશંકરના “સુરતની મુખતેસર હકીકત”માંથી તારવીને આપી છે. આ ઉપરથી વાંચનારને સમજાશે કે ગ્રન્થકર્તાએ શિવાજીની સુરતની લૂંટની જે વાર્તા લખી છે તેનો સમય ઈ. સ. ૧૬૬૪ નો છે: પણ સર્વ ઈતિહાસકારો જણાવે છે કે શિવાજીએ સુરત છ દિવસ ને રાત લૂટ્યું, અને ઘણો કેર પ્રજા ઉપર વર્તાવ્યો. વાર્તામાં ત્રણ દિવસ લૂટ ચલાવી