પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬: શોભના
 

જતો અભાવ પરાશર પ્રત્યેની ઈર્ષાનું તો પરિણામ નહિ હોય ?

શોભનાએ તેની સામે જોયું હતું, શોભનાએ તેની સામેથી આંખ ખસેડી લીધી હતી; શોભના તેની સાથે બોલતી નહિ, છતાં તેની આંખ અને મુખ કાંઈ કાંઈ બોલતાં જ હતાં, એમ કેમ લાગ્યા કરતું હતું ? સિનેમામાં તેને ફેર કેમ આવ્યા ? ફેર આવ્યા તો તે પરાશરની પાસે જ આવતાં કેમ પડવા સરખી થઈ ગઈ ? અને શોભનાએ પોતાનો દેહ પરાશરને હાથે દોરાવા દીધો, એ શું ?

એ કેટલી બદલાઈ ગઈ હતી ? ચાર-પાંચ વર્ષ પહેલાં તેને જોઇ હતી; પછી પણ ક્વચિત્ એની ઝાંખી થઈ જતી. તે વખતે પણ શોભના સુંદર અને ગમે એવી હતી; પરંતુ અત્યારે તો શોભના રૂપ રૂપનો અંબાર બની ગઈ હતી ! સ્વાતંત્ર્યનું ધ્યેય જતું કરીએ તો પછી જીવનમાં સૌંદર્ય જ રહે ને ? અને શોભના સરખું સૌંદર્ય કદાચ સ્વાતંત્ર્યને પણ કદરૂપું બનાવે તો તેમાં આશ્વય નહિ.

એ સૌંદર્ય શોભનાના રંગમાં હતું ? મુખમાં હતું ? આંખના ચમકારામાં હતું ? કદી કદી સંભળાતી કંઠમાધુરીમાં હતું ? તેની છટામાં હતું કે તેનાં વસ્ત્રોની ગોઠવણમાં ?

'...છટ્ર.... !’ પરાશરથી બોલાઈ ગયું.

‘કેમ શું થયું ?' કુમારે પૂછ્યું.

‘કાંઈ નહિ, પણ તું જાગે છે ?’

'આટલો મોટો છટકાર કર્યો એટલે ગમે તેવી ઊંધ હોય તોય ઊડી જાય.'

‘હું બહુ દિલગીર છું, કુમાર ! મને એટલા જોરથી મચ્છર કરડ્યા કે મારાથી એમ બોલાઈ ગયું.’

‘તો તું હવે મચ્છરદાનીમાં સૂઈ જા; હું થોડી વાર તારી જગા લઉં.’

‘અંહં. હું મારી જગા કોઈને આપતો નથી.' કહી પરાશર પાછો આડો પડ્યો.

'હં.' હસીને કુમારે પાસું બદલ્યુ. કુમારના હાસ્યનું હાસ્ય તે સમજ્યો. તેના પોતાના જ ખાટલામાં તેણે અત્યારે જ કુમારને સૂવા દીધો હતો !

અને... અને... શોભનાને ભાસ્કર તરફ પણ તેણે આકર્ષાવા દીધી હતી ! પરાશરે આંખ મીંચી દીધી. તેની મીંચેલી આંખ વીંધીને શોભના તેની સામે આવીને ઊભી રહી ! પરાશરે પાસું બદલ્યું; પરંતુ પાસું