પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬: શોભના
 

‘તો ક્યાંથી ખર્ચ મેળવે છે ?'

‘એક પત્રમાં નોકરી કરે છે. કહીશ તો હું તારો વધારે પરિચય કરાવી આપીશ. બહુ જ આગ્રહી છે. મને પણ ફાવે તેમ કહેવામાં ચૂકતો નથી.’

'શું?'

‘જે ફાવે તે. મારી સાથે ખાસ તકરાર તો એની એ છે કે મારે પણ ત્રીસ રૂપિયામાં મારું ગુજરાન ચલાવવું.’ હસીને ભાસ્કરે કહ્યું.

ધનવાનો ધનના માલિક નહિ પણ જુમ્મેદાર રક્ષક છે એમ મહાસભાનો આત્મા પોકારી રહ્યા છે. એ આત્માની ઓથે ધનના ઢગલા કરનાર રક્ષકો જાત માટે અઢળક ધન વાપરતાં પોતાની જુમ્મેદારીનો ખ્યાલ રાખે છે ખરા ? શોભનાએ તે તરફ હસીને ભાસ્કરનું લક્ષ દોર્યું :

‘ધનની તો તમારી માત્ર જુમ્મેદારી જ ને ? પરાશર શું ખોટું કહે છે ?’

‘હું મારા જુમ્માને બરાબર અદા કરું છું.’

'કેવી રીતે?"

'આ કારમાં જે લાયક હોય તેને બેસાડીને.' ભાસ્કરે હસીને જવાબ આપ્યો, અને શોભનાના એક હાથને પોતાના હાથમાં લીધો.

શોભનાએ પોતાના હાથને ભાસ્કરના હાથમાં રહેવા દઈ બારીમાંથી બહાર જોવા માંડ્યું. ભાસ્કરનો હાથ રેશમ જેવો સુંવાળો લાગ્યો.

પણ એ સુંવાળાશ અત્યારે એને કેમ ન ગમી ?

શોભનાનું ઘર આવી ગયું. અને તે કારમાંથી ઊતરી ગઈ. ભાસ્કરે પોતાની બાજુમાંથી એક સફાઈથી બાંધેલું મોટું પડીકું શોભનાને આપ્યું.

‘શું છે ?’ શોભનાએ પૂછ્યું.

‘મારા તરફની ભેટ છે.' ભાસ્કરે કહ્યું.

‘હું એમ ભેટ લેતી નથી. તમે તમારા ધનના જુમ્મેદાર છો એ હું નહિ ભૂલું.’

‘અરે કશી કિંમતી વસ્તુ નથી; એક પુસ્તક છે.’

‘સંતતિનિયમન ઉપર ?’ જરા તીવ્ર આંખ કરી શોભનાએ પૂછ્યું.

‘નહિ નહિ, એ તો એક સરસ ચિત્રસંગ્રહ છે.'

શોભનાએ તે ભેટ સ્વીકારી. એને ચિત્રો ઘણાં ગમતા હતાં.