લખાણ પર જાઓ

પૃષ્ઠ:Shobhana.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૯૧
 

પરંપરા તે નિહાળી શકી હતી - દરેકના વિલાસી માનસને તે પારખી શકતી હતી. છતાં તેમનામાં યુવતીઓની વિકાર ઢાંકતી ચાંપલાશ વધારે પડતી ન હોવાથી શોભના એ ત્રણે યુવતીઓની મિત્ર બની શકી હતી. તેમની કેટલીક વિલાસ સૂચક વાતો શોભનાને ચીડવવા માટે જ હતી એમ એ જાણતી હતી. એટલે તેમને અને તેમની વાતોને એ સહી લેતી હતી.

એ શોભના હમણાં કેટલાક સમયથી આયનાનો પ્રેમ વધાર્યે જતી હતી. પોતાનું મુખ, દેહ અને વસ્ત્ર આયનામાં જોવા - એકલી હોય તો જોયા કરવા - લલચાતી હતી. કોને માટે ? પોતાનો દેહ સુંદર હોય કે થાય એ જોવાની - એની ખાતરી કરવાની ઈચ્છા સહુને થાય અને તે સ્વાભાવિક ગણાય. પણ એ દેહ બીજાને પણ સુંદર લાગે છે કે નહિ એ જાણવાની ઈચ્છા કોઈ માનસપરિવર્તન - અસ્વાભાવિક માનસપરિવર્તનનો પડઘો જ કહી શકાય. તેના સરળ જીવનપ્રવાહમાં વેગ આવ્યો લાગતો હતો; તેના અનેક ફાંટા પડી જતા લાગતા હતા. જીવનપ્રવાહને ધાર્યા મુજબ વાળવાને બદલે તે જાતે એ પ્રવાહમાં ઘસડાતી હતી.

કારણ ?

તેના જીવનમાં એક પુરુષે પ્રવેશ કર્યો હતો. સુઘડ, સોહામણો, રસિક, બુદ્ધિશાળી, ચાતુર્યભર્યો, ઊર્મિપ્રેરક ભાસ્કર પ્રથમ મળ્યો ત્યારથી વધારે અને વધારે આકર્ષકતા ધારણ કરતો જ હતો. પુરુષો શોભનાને મોટે ભાગે અણગમતા લાગતા, ભાસ્કર અપવાદ હતો. એ ગમે એવો હતો, એ હસતો સરસ. એ વાત કરતો તે છટાભરી. એની ચાલમાં જોમ હતું. ચશ્માંધારી. લાંબા વાળ રાખી કલામય દેખાવા મથતાં છતાં નાટકમાં છોકરીઓનો ભાવ ભજવવા તૈયાર થતા હોય એવા લટકાભર્યા - અરે, છોકરીઓને પણ શરમાવે એવો અંગમરોડ અને અંગુલિમરોડ અજમાવતા - યુવકોનો જે સમૂહ ગુજરાત આજની શાળાઓ અને મહાશાળાઓ ઘડી રહ્યું છે એ સમૂહમાંથી તે જુદો તરી આવતો. અગર... અગર એ અણગમતી હદે પહોંચતી રસિકતામાં તરી આવતું બાયલાપણું ભાસ્કરમાં દેખાતું નહિ.

અને તે ઉપરાંત એ ધનિક હતો, ઉદાર હતો, મિત્રોને સહાયરૂપ બનતો અને આદર્શ પાછળ પોતાના જીવનને દોરતો.

એનો સ્નેહ એ પ્રેમ કે બંધન ? જે ગમે એ બંધન કહેવાય કે મુક્તિનો માર્ગ ? ત્યારે બીજી યુવતીઓમાં અને શોભનામાં તફાવત શો ? કોઈને અઢારમે વર્ષે પ્રેમ જાગે, કોઈને વીસ વર્ષે, કોઈને પચીસ વર્ષે. એથી પચીસ વર્ષે પુરુષને ચાહવા લાગતી યુવતી અઢારમે વર્ષે પ્રેમી બનેલી યુવતી કરતાં