પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૩૯
 

ધર્મભેદથી ધ્યેય-ઐક્યને છિન્નભિન્ન કરી નાખતા માનસનો સ્પર્શ કરતાં તે બહુ જ વિચાર, બહુ જ મીઠાશ અને બહુ જ સીધાપણું કેળવતો હતો. તેના મિત્રોને તે મંદ બનતો પણ લાગ્યો. છતાં તેનાં કાર્ય અને વાણીમાં આવેશ અને તીખાશ ઘણાં ઓછાં થઈ ગયાં.

‘વાદવિવાદ તો મેં બહુયે કર્યા. વાદવિવાદથી સામા માણસનો મત ફેરવાય એ અશક્ય છે કારણ, એમાંયે, આપણે એકબીજાને ઘા જ કરીએ છીએ. પણ મને કહો કે આપ મારી પાસે શું માગો છો ?'

‘હું તમારું શહેર કબજે કરવા માગું છું.' ગૌરધીરે કહ્યું.

‘આપ એમ પણ કહી શક્યા હોત કે તમે આ શહેરના સેવક બનવા માગો છો.’

‘હું સેવક મારા ધ્યેયનો. સાધનોની તો હું માલિકી માગું છું.’

‘કહો, એવાં કયાં સાધનો મારી પાસે છે કે જેની હું આપને માલિકી આપી શકું ?’

'તમારાં મજૂરમડળ.'

‘તમે શું કરશો એમાં ?'

‘ક્રાંતિની ચિનગારી ફૂંકીશ. કલકત્તા, કાનપુર, જબલપુર, જમશેદપુર, અમદાવાદ, મુંબઈ, ભદ્રાવતી અને એરનાકુલમને સાંધી દઈશ, અને ત્રણ માસમાં બધાં કારખાનાંને હું તાળાં વસાવીશ.’

'પણ એથી કોને લાભ થશે ?'

‘જનતા સમૂહને જીવજીવીને.'

'કેવી રીતે?'

‘એક પાસ મજદૂરો કામ બંધ કરશે; બીજી પાસ સામ્યવાદી બિરાદરો કિસાનોમાં જાગૃતિ લાવી તેમને સંગઠિત કરી કામ કરતાં અટકાવી તેમની મોટી મોટી કૂચ ગોઠવશે. સરકાર એ બંધ કરવા બળ અને હિંસા વાપરશે, એટલે ચારે પાસ અંધાધૂંધી ફેલાશે. યુરોપ-એશિયામાં કદી ન જોયેલું યુદ્ધ આજ કે કાલ શરૂ પણ થઈ જશે. લશ્કર યુદ્ધમોખરે રોકાશે એટલી આંતર-અવ્યવસ્થા એવી બની જશે કે આપણે સામ્યવાદીઓ સત્તા લેઈ શકીશું. પછી તો આખા જગતનો મજદૂરવર્ગ આપણી સાથે જ છે. યુદ્ધમાંથી જગતક્રાંતિ જરૂર આવવાની.' ગૌરધીર ભાષણ કરી નાખશે એમ બધાંને ભય લાગ્યો.

‘એ વિચારો થઈ ચૂકેલા છે; મને પણ આવી ગયા છે. પણ હજી તે પ્રમાણે થતું નથી. મજદૂર અને કિસાનોને ક્રાંતિ માટે કેમ તૈયાર કરવા તેની