લખાણ પર જાઓ

પૃષ્ઠ:Shobhana.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


અંધકાર નીચે કેટકેટલાં પ્રકાશબિંદુઓ ચમકતાં હશે ? વિસ્મૃતિ નીચે જાગ્રતિના કેટકેટલા થર સળવળતા હશે?

શોભના ઝબકી જાગી. તેને પ્રથમ સમજ ન પડી કે પોતે ક્યાં હતી. તેનો દેહ આનંદથી થરથરતો હતો કે ભયથી ? તેણે ધીમે ધીમે પોતાના સ્થાનની ખાતરી કરી. તે પોતાના ખાટલામાં જ સૂતી હતી, તેની પોતાની જ એ પથારી હતીઃ પથારીમાં જ નહિ પણ આખી ઓરડીમાંય તે એકલી હતી. જગત પણ શાંત હતું. રાત્રિ હજી સંપૂર્ણ થઈ ન હતી, જોકે પ્રભાતની શીતલતા શોભનાના દેહને સહજ કંપ આપી રહી હતી.

દેહકંપ એ શીતલતામાંથી આવ્યો પરંતુ તેનો હૃદયકંપ ક્યાંથી આવ્યો ? એકલા આદર્શમય, અભ્યાસી જીવનને હલાવી નાખનાર આ અનુભવ માત્ર સ્વપ્નની મિથ્યા જાળ હતો શું ?

પરંતુ સ્વપ્નને મિથ્યા જાળ કેમ કહી શકાય ? જીવનના સાચામાં સાચા ટુકડાઓને ભેગા કરી સ્વપ્ન જીવંત બને છે, જીવનના એક વિભાગ તરીકે બની રહે છે, એમ સ્વપ્ન વિજ્ઞાનીઓ કહે છે. શોભનાના સ્વપ્ને તેના જીવનના કયા ટુકડાઓ ઝડપ્યા હતા ? તેનું પોતાનું જીવન સુંવાળું ન હતું, ધનિકતા અને વૈભવમાં તે ઊછરી ન હતી, અને ભવિષ્યમાં પણ સાહેબી ભોગવવાની તેને ખાસ અભિલાષા ન હતી. તે સુખ માગતી હતી એ ખરું; પણ વૈભવ નહિ. તો પછી એ મોટરકારમાં કેવી રીતે બેઠી ?

તેને શોધતાં સ્વપ્નનું મૂળ જડી આવ્યું. ગઈ સાંજે તે મોટરકારમાં જ બેઠી હતી. અને તેની ગાદીમાં રહેલી સુંવાળાશે તેનું ધ્યાન ખેંચ્યું હતું, નહિ? વળી પોતાના વાળની કુમાશ પણ તેને સૂતા પહેલાં ગમી હતી.

પરંતુ એને નૃત્ય કદી આવડતું ન હતું. સ્વપ્નમાં એ આટલું સુંદર નૃત્ય કેમ કરી શકી ? એક નર્તકીનું ચિત્ર અને માત્ર આયના સામેનો રમતાં રમતાં કરેલો અભિનય એક રાતમાં તેને આખું નૃત્યશાસ્ત્ર શીખવી શક્યાં ?

વળી એક પુરુષ તેનો હાથ પકડી રાખતો હતો ! પેલી રંભા તો ચંપલ મારવા સુધીની વાત કરતી હતી, અને શોભનાએ તેમ શા માટે ન કર્યું ? જીવનમાં નહિ તો સ્વપ્નમાં તો એ સંતોષ લેવો હતો ! ઊલટું એ પુરુષનો સ્પર્શ તેને ગમવા લાગ્યો હતો, નહિ ?