પૃષ્ઠ:Shobhana.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિપ્રવાહ:૫૧
 

મજૂરનો હાથ ઝાલી કહ્યું અને તેને ઓરડી તરફ તે દોરવા લાગી. મજૂરે તેની સામે જોયું. અપમાન, શરમ અને નિર્બળતાના ભાનથી હણાઇ રહેલું તેનું આત્મમાન તેની પત્ની લાગતી મજૂરણ સામે વધારે તીવ્ર બન્યું. પોતાની જાતને કચરી નાખવાની અગર જગત સમસ્તને કચરી નાખવાની લાગણી તેને હૃદયમાં જાગ્રત થઈ.

‘તું પૈસા લાવી ક્યાંથી ?’ મજૂરે પૂછયું.

'જ્યાંથી લાવી ત્યાંથી; તારે શું ?’

‘કેમ, મારે શું ?’

'હવે ચાલ ઓરડીમાં, પછી વાત પૂછજે.'

'પૈસા ક્યાંથી લાવી એ કહે નહિ તો...' પઠાણના હાથનો માર ખાઈ અપમાન પામેલા પતિને પોતાનું અપમાન પત્ની ઉપર ઉતારવાનું સરળ હતું; પરંતુ ધમકીનું ચોક્કસ સ્વરૂપ તેણે દર્શાવ્યું નહિ.

‘નહિ તો શું ? બે લાપટ મારી લેજે.' પત્નીએ કહ્યું.

પઠાણની ગુંડાગીરી અસહ્ય હતી જ, તેમાં આ પતિની ગુંડાગીરી પરાશરે જોઈ. અને એ ગુંડાગીરીને સહન કરતી - સહન કરવાને સદાય તત્પર દેખાતી પત્નીના નિર્ભય માનસને પરાશર જોઈ જ રહ્યો.

‘લાપટ શાનો મારે વળી ? પઠાણને તારું ચોટલાખત તો તારા ધણીએ લખી આપ્યું હતું વળી ! હજી આવતે મહિને દેવું નહિ ભરે તો તારી બૈરીયે તારી નથી રહેવાની !’ એક પાસે થઈને જતી મધ્યવયી મજૂરણે ધણીધણિયાણીની વાતચીતમાં ભળી મહેણું માર્યું.

પરાશરે આ મહેણું બરાબર સાંભળ્યું. ચોટલાખતનો અર્થ સમજાવવાની જરૂર રહી ન હતી.

‘કયી ખત વગરની રહી ગઈ છે ?’ એવો એક ત્રીજી બાઈનો ધીમો ઉદ્દગાર આ મજૂરોની આખી ચાલી અને મજૂરોની આખી સૃષ્ટિને સ્પષ્ટ કરી રહ્યો હતો. ગુલામીની નવીન ભાત ઊપસી આવેલી પરાશરે જોઈ. ધન, વ્યાજ અને વેચાણ પ્રત્યે તેનો રોષ પહેલાં હતો. તેથી વધારે વધી ગયો.

ઓરડીમાં જઈ તેણે બારણાં બંધ કર્યા. ચારપાંચ પુસ્તકો વારાફરતી વાંચવાનો તેણે પ્રયત્ન કર્યો, પરંતુ તેનું ચિત્ત એકાગ્ર ન બન્યું. વ્યક્તિગત ગુંડાગીરીથી પૈસો ભેગો કરતો પઠાણ, સામાજિક ગુંડાગીરીના બળે પત્નીનું રક્ષણ પામ્યા છતાં પત્નીને ડારતો અને વેચતો પતિ, અને એકેય ગુંડાગીરીને ન અટકાવી શકતો એક ક્રાંતિકારી સુધારક ! શું એ વર્તમાન જગતનું પ્રતીક હતું ?