પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજા કે યોગી ?
 

સરસ્વતીનો કાંઠો છે.

સિદ્ધપુર ગામ છે.

ગગનચુંબતો રુદ્રમહાલય સામે ખડો છે. એની છાયામાં મહારાજ સિદ્ધરાજ, મંત્રીઓ અને સામંતો બેઠા છે.

મહારાજને રાજ ચલાવતાં ને પ્રજાનું પાલન કરતાં વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. આંખોનાં તેજ ઘટ્યાં છે. ધરતી ધમધમાવતા પગોમાં ઝીણી કંપારી છે. અને એવી કંપારી હૈયામાં છે. પોતાને કોઈ વારસ નથી. ઉઘાડા પગે અને ખભે કાવડ લઈને સોમનાથ દેવની યાત્રા કરી તોય સવાશેર માટીની ખોટ દૂર ન થઈ ! મહારાજને ચિંતા સતાવે છે. આ મહારાજ્ય કોણ સંભાળશે ? જનેતાની જેમ જનતાની ભાળ કોણ લેશે ?

છતાં એ સૂરજ છે - સવારનો નહિ, તો સંધ્યાનો !

તેજ એ છે. રુઆબ એ છે. પ્રજ્ઞા એ છે !

મહરાજ સિદ્ધરાજ રુદ્રમહાલય પર ફરક્તી ભગવી ધજાને જોઈ રહ્યા

રાજા કે યોગી ᠅ ૧૩પ