પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 મોં પર રાજવંશી તેજ ઝળહળે છે. માથે નાનકડી ક્સબી પાઘ છે. ડિલ પર જરિયાની અંગરખું છે. કમળ પર સિરોહી તલવાર છે. પીઠ પર આફ્રિકાના ગેંડાની ઢાલ છે.

પંદરેક વર્ષની ઉંમર છે. જુવાની આવું-આવું થાય છે. મૂછો હજી કૂટું- ફૂટું થાય છે !

પાછળ બે મોટા સરદારો છે, ચાર સિપાહીઓ છે, બાર-પંદર પગીપસાયતા છે !

પગી પસાયતા ગામ-ગામના કેડા ચીંધે છે. રાજવંશી જુવાનિયાએ ગામલોકોનાં કાળાં મેંશ માં જોઈ પૂછ્યું :

'કાં ભાઈઓ ! ગામમાં કંઈ મોટું મરણ થયું છે ?'

'હા, બાપ !' એક ઘરડા રજપૂતે જવાબ આપ્યો .

'કોણ મરી ગયું ?'

'પાટણની ગાદીનો ધણી !' એક રજપૂતે દાઢમાં કહ્યું.

'શું બોલો છો તમે ? જાણો છો, તમારી સામે કોણ ઊભું છે?' કુંવરની પાછળ ઊભેલા એક સરદારે કહ્યું.

'જે ઊભું હોય એ. અમે તો માનીએ છીએ કે અમારે માથે ધણી નથી. નહિ તો બાબરો ભૂત અમને આમ ધોળે દીએ રંજાડે ખરો ! અરેરે, કાળો કેર વર્ત્યો અમારા પર ! હવે તો આ ગામ છોડીને હિજરત કરવી પડશે, બાપદાદાના વારાનાં આ ખોરડાં ! આ ખેતર ! હે મા કાલકા ! તું રાખે તેમ રહેવું રહ્યું. આ દુનિયા પર તારા સિવાય અમારું રક્ષણ કરનાર બીજું કોઈ નથી.'

'બાબરો ભૂત ? એ વળી કોણ ?' પેલા જુવાન કુંવરે પૂછ્યું.

'ભાઈ જુવાન ! તું તારે મેવા-મીઠાઈ જમી, પાંચ મણની મખમલમશરૂની તળાઈમાં આળોટ. મરગલાં*[૧]મારવાં કે મરગાનેણીની શોધ કરવી-બે કામ રજપૂતનાં રહ્યાં છે. નકામી એ વાત સાંભળી ચિંતામાં પડીશ; ઊંઘ વેચી ઉજાગરો લઈશ.' રેવાદાસે કહ્યું.

‘ના, ના, મને જરૂર છે. હું મારાથી બનતું કર્યા વગર નહીં રહું.’ જુવાને


  1. * મરગલાં = હરણાં; મરગાનેણી = સુંદર સ્ત્રી.
૧૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ