પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારવા આવ્યો છે. બેમાંથી એકે ઓછા થયે છૂટકો છે.' જયસિંહે કહ્યું ને ઘોડી કૂંડાળે નાખી.

‘હાથે કરીને મરવું હોય તો તારી મરજી. તો, તૈયાર થા છોકરા ! જય મહાકાલી !' ને બાબરાએ તલવાર કાઢીને વીંઝી, દાંત ક્ચકચાવ્યા ને ભયંકર કિકિયારી મારી. કાચોપોચો તો એ બિયારી સાંભળીને જ ઠરી જાય. પણ આ તો જયસિહ ! જુદી માટીથી ઘડાયેલો.

જ્યસિંહે સામે તલવાર ખેંચી, ને ઘોડેથી નીચે કૂદકો માર્યો. બાબરો પગપાળા હતો. જયસિંહથી ઘોડા પર રહીને ન લડાય ! જયસિંહ ફક્ત ઘરમાં જ નહિ, યુદ્ધમાં પણ ધર્મનીતિનો પાળનારો હતો !

બાબરાએ તલવાર સમણતાં સમણતાં જયસિંહને સમજાવવા માંડ્યો : 'તારા હોઠ પર હજી તારી માનું દૂધ ફોરે છે. રાજા છે તો ભલા માણસ રાજમહેલમાં જઈને મોજ કર. પ્રજા પડે ખાડમાં ! નગરનો રાજા તું ! વનનો રાજા હું.'

જયસિંહ કહે : 'રાજા તો એક જ હોય. હું રાજા છું. રાજાની પહેલી ફરજ પ્રજાનું રક્ષણ. તું મારી પ્રજાને રંજાડે છે. તું ગુનેગાર છે. ગુનેગાર સાથે સંધિ ન હોય. એને તો સજા હોય.'

તલવારબાજી બરાબર ચાલુ થઈ. બંને જણ ઉપરાછાપરી ઘા કરવા લાગ્યા. પણ કોઈ કોઈથી ગાંજ્યા જાય તેવા નહોતા. કોઈ કોઈના સપાટામાં આવતા નહોતા.

જયસિંહે સરસ્વતી-કાંઠાના અખાડાઓમાં કુસ્તી શીખી હતી. સરસ્વતીની વેળુમાં હાથીયુદ્ધ ખેલ્યાં હતાં. બહાદુર પટ્ટણીઓ સાથે તલવારની પટાબાજી પણ ખેલી હતી; પણ એ વાત જુદી હતી. અને આ વાત જુદી હતી.

એ બધા શહેરી માણસો હતા. વળી પોતાના માણસો હતા. અહીં તો સામે ભયંકર જંગલી માણસ હતો, ને મહાખૂની હતો. આજ સિદ્ધરાજની વિદ્યાની કસોટી હતી.

આકાશમાં વીજળી ચમકે એમ તલવારો ચમકી રહી. બાબરાને લાગ્યું કે આ જુવાનિયો જબરો છે ! એની આંખો ગરુડની છે, પંજા વાઘના છે, દિલ ખડકનું છે. એને મોતનો જરાય ડર નથી.

પાટણનું પાણી હરામ ᠅ ૧૫