પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માખી પડી હતી - સુરેન્દ્રદેવજીના પેલા પ્રશ્નની : ક્યાં છે એ બહાદુરો?

પ્રમુખના મોંમાં હજુ તો 'સામ્રાજ્યનાં સર્વ એકસરખાં બાળકો' એવો સખુન રમતો હતો, એ શબ્દો પર વકીલોના 'હીઅર હીઅર' ઘોષ ગાજતા હતા. તાળીઓના તો હવે આંતરા જ નહોતા રહ્યા તે વખતે સભાજનોને લાગ્યું કે બહાર ચોગાનમાં કશીક ધડાપીટનો મામલો મચ્યો છે.

રીડિયા અસ્પષ્ટ હતા, તે ઘડી પછી સ્પષ્ટ બન્યા. ચાબુકોના ફડાકા સંભળાયા, ને વિચાર કરવાનો સમય રહે તે પહેલાં તો ચોગાનમાં પગથિયાં પરથી ચસકા પડ્યા કે "ગરીબ પરવર, અમારે માથે ચાબુકો પડે! અમારું સાંભળનાર કોઈ છે કે નહિ? સરકાર જીવતી છે કે મરી ગઈ છે?"


47. એક જ દીવાસળી?


બીજી જ પલ - અને આખું દંગલ જ્યુબિલી બાગના કૉનોટ હૉલને દરવાજે આવી પહોંચ્યું. પોલીસના હાથમાંથી વછૂટીને પંદર-વીસ ગામડિયા હૉલની અંદર ધસારો કરતા હતા.

તમામ સભાજનો - એજન્ટ સાહેબ સુધ્ધાં - ખડાં થઈ ગયાં, અને એ ગામડિયાની કાગારોળ મચી રહી. સ્પષ્ટ અવાજો પણ સંભળાયા: "ગરીબપરવર! અમને મોકલ્યા તે ટાણે અમારા ખોળામાં ખજૂર નાખ્યો! ને હવે અમે પાછા આવ્યા તે ટાણે આ શું થઈ ગયું?"

"ક્યા હય?" કોઈ તોતિંગ ઝાડને વેરતા કરવત જેવો અવાજ કાઢતા વિક્રમપુરના ગોરા હાકેમ આગળ ધસી આવ્યા: "ક્યા, હુલ્લડ મચાના હય? કોન હય?"

"ગરીબપરવર!" એ વીસ માણસોનો આગેવાન ફાટેલાં ખાખી કપડાં પહેરીને ટટાર ઊભો રહ્યો. બાંયના લબડતા ચીરાને ઝુલાવતો એનો જમણો હાથ તાજી શીખેલી લશ્કરી સલામીની છટાથી લમણા પર મુકાયો, ને એણે કહ્યું: "ગરીબપરવર! અમે તમને જ ગોતીએ છીએ. આ તે સરકારને થઈ શું

૨૨૨
સોરઠ તારાં વહેતાં પાણી