પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"જવાય નહિ," પોલીસે કહ્યું : "હાલો, હોટલમાં ચા પિયે."

"પણ, ભાઈ, અમે ઝાઝા જણ છયેં."

"જેના રામ રાજી હોય તેને જ ઝાઝા જણ હોય. હાલો."

ખેંચીતાણીને પોલીસ આ પંદર-વીસ જણને હોટલમાં લઈ ગયો. 'એકવીસ ડબલ કોપ'નો ઓર્ડર દીધો. પછી હજામત વિનાની પોતાની ઝીણીઝીણી વધેલી દાઢીને કાતરા મનાવવા માટે પોતે વારેવારે દાઢી ઉપર હાથ નાખવા લાગ્યો.


48. વિધાતાએ ફેંકેલો


"બહુ ખોટું કર્યું. આપ ઉતાવળિયા છો. આ લોકોને ઓળખતા નથી. કોના જોરે કૂદંકૂદા કરો છો?"

આવા ઠપકા તે રાત્રિએ સુરેન્દ્રદેવજીના ઉતારાના ઉંબરામાંથી ઉપરાઉપરી શરૂ થયા.

વકીલ મિત્રો તેમ જ અમલદાર સ્નેહીઓ પગરખાં ઉતારતાં ઉતારતાં જ એમના ઉપર વાક્યોની ઝડી વરસાવવા લાગ્યા. સૌની જોડે પોલીસના નાના ઉપરી સાહેબ પણ શિખામણ દેવા આવ્યા. સહુની વતી તેમણે કહ્યું: "આપને શું એમ લાગે છે કે અમે આંહીં બેઠેલા બધા દેશાભિમાનથી પરવારી ગયેલા છીએ?"

"પણ શુ છે આટલુ બધુ?" અનુસ્વારો વગરનાં ઉચ્ચારણોવાળું આ વાક્ય સુરેન્દ્રદેવજીના મોંના મલકાટની વચ્ચે મઢેલ કોઈ તસવીર જેવું લાગતું હતું. એમના મોંમાં હુક્કાની રૂપેરી નળી હતી.

"બીજું તો શું? તમે રાજદ્વારી બનવા સર્જાયેલ જ નથી." એક વકીલે એમ કહીને નવો મમરો મૂક્યો કે પોતાનામાં રાજનૈતિક ડહાપણ ભાવિના કોઈ મોકાની રાહ જોતું ભરાઈ બેઠું છે.

"આમાં રાજદ્વારી લાયકી-નાલાયકીની વાત ક્યાં આવી?" સુરેન્દ્રદેવજીએ કહ્યું: "મારું લોહી ઊકળે છે કે એક જ વાત માટે કે વિધાતાએ મને આંહીં સોરઠમાં

૨૨૬
સોરઠ તારાં વહેતાં પાણી