પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૩૭
 

એજન્સી તરફથી ગોર્ડન સાહેબ, હાજી સાજણ અને મામદ ઈસાક, એ ત્રણ જણા એ બહારવટામાં વાલાની ગોળી વાગતાં કામ આવ્યા.

વાલો પણ ગોળીએ વીંધાઈ ગયો છે, છતાં પડ્યો નથી. હાથમાં બંદૂક હતી, તેનો કંદો ખભાને ટેકો દઈ રહ્યો છે. અને નાળ્ય નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે, એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર બંદુકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે. એ વખતના એના મ્હોરાની તારીફ કરતી કરતી, ત્રણે રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો. મોવર સંધવાણી પણ જામનગરની ગીસ્ત સાથે આવેલો, તેની આંખમાં પોતાના જૂના અને પાક ભેરૂનું આવું ઉજળું મોત દેખીને હેતનાં આંસુ આવી ગયાં.

“ સા...લા કમબખ્ત ! લેતો જા !” કહીને એક પાલિસે વાલાની છાતીમાં બંદુકનો કંદો માર્યો.

મેવરની આંખ એ મિત્રના મોતનું અપમાન દેખીને ફાટી ગઈ. એણે કંદો મારનારા પોલિસની સામે ડોળા કાઢીને કહ્યું “હવે મરી ગયા પછી તારા બાપને શું મ્હોં લઈને મારી રહ્યો છે ? જીવતાં ભેટો કરવો તો ને ?”

પોલિસે પોતાની ભરેલી બંદૂક મેાવર સામે તાકી. પલકમાં જ ઘોડો ચંપાતાં મોવર વીંધાઇ જાત, પણ મેાવરે અરધી પલમાં તો એ ઉગામેલી બંદુકની નાળને હાથને ઝટકો મારી જરાક ઉંચી કરી દીધી, અને એની વછૂટતી ગોળી મેાવરના માથા ઉપર થઈને ગાજતી ગાજતી ચાલી ગઈ.

“કોઈ મીયાણાના પેટનો આંહી હાજર છે કે નથી ? જોઈ શું રહ્યા છો હજુ ?”

એટલી હાકલ મોવરના મ્હોંમાંથી પડતાં તો પહાડ જેવા મીયાણા ધસી આવ્યા. ધીંગાણું જામી પડ્યું હોત. પણ બીજા શાણા માણસોએ મેાવરને ફોસલાવી પંપાળી, ટાઢો પાડ્યો.”