પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મુળુ માણેક
૧૯૧
 

નમણા મોઢા ઉપર લોહી રેળાયા છતાં યે મ્હોં રૂડપ મેલતું નથી. હમણાં જાણે હોઠ ફરફરાવીને હોંકારો દેશે ! એવા માથા ઉપર ગીસ્તના માણસો દારૂ છંટાવતા હતા.

પાસે ઉભેલા એક નાગર જુવાને એ વાઢેલા માથાની મુખમુદ્રા એાળખી એના મ્હોંમાંથી વેણ નીકળી પડયું કે “આ તો મુળુ માણેકનું માથુ !”

પચાસેક આંખો એ બોલનાર ઉપર ચોંટી ગઈ. સહુને અજાયબી થઈ. મીયાં અલ્વીનો એક જાસૂસ પડખે ઉભો હતો તેણે આ નાગર જુવાનને નરમાશથી પૂછ્યું “તમે કેમ કરીને જાણ્યું ભાઈ !”

એક જ પલમાં જુવાન ચેતી ગયો. એ માથાના ધણીને વારેવારે દીઠેલો, ઘેરે નોતરેલો, પ્રેમથી હૈયા સરસો ચાંપેલો, એ બધી વાત ભૂલીને જવાબ દીધો કે “એ તો બહુ રૂપાળું મોઢું છે, તેથી એમ લાગ્યું.”

વાત અટકી ગઈ. નાગર બચ્ચો અણીને સમયે ઉગરી ગયો, અને એ રૂપાળા માથાને કપાએલું દેખી, ભાંગી પડતે હૈયે ઘર તરફ ચાલ્યો ગયો.

ગોમતીએ ઘૂંઘટ તાણીયા, રોયા રણછોડરાય !
મોતી હુતું તે રોળાઈ ગીયું, માણેક ડુંગરમાંય.

[ગેામતીએ શોકથી મ્હોં પર ઘૂમટો ઢાંક્યેા. રણછોડરાય પણ ૨ડ્યા. કેમકે માણેક રૂપી મહામેાલું મોતી ડુંગરમાં નાશ પામ્યું.]