પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગીગો મહીયો
૪૩
 

છો તે પાણી મેલો કે મારી વાંસે બ્રામણ જમાડશો. આટલું કરો તો મારા પેટમાં ટાઢક થાય.”

દાંત કાઢીને દેસાઈએ કહ્યું “ગીગા, આટલા સારૂ આવડી ખટપટ કરી ? હાલતે રસ્તે કહેવરાવ્યું હોત તો ય હું કરી નાખત !”

“બસ કાકા, હવે પધારો. કોઈ તમારૂં નામ ન લ્યે.”

“રામ રામ ગીગા !”

દેસાઈ ચાલ્યા ગયા. સવાર પડ્યું ત્યારે ગીગાએ પૂનાને ખંભે લટકતી રૂપીઆ જડેલ પટાવાળી એક નવી તલવાર દીઠી. પૂછ્યું: “પૂના, આ તલવાર ક્યાંથી ?”

“દેસાઇની. ઉતારામાંથી સેરવી લીધી. હાર ને તરવાર બે ચીજ આપણે બીજ ગામમાંથી કમાણા.”

“ઠીક ! ઈ હાર ને ઇ તરવાર મારી પાસે લાવો.”

૧૦

બારવટું ખેડતાં પાંચ વરસ પૂરાં થવા આવ્યાં, અને ગીગાના મોતની સજાઈ પથરાવા માંડી. માણસનાં પાપ માણસને માયલી કોરથી ખાઈ રહ્યાં હોય છે એની ખબર એને નથી હોતી. ગીગાને પણ મરવું તો હતું જ, એટલે માઝા મેલીને ગામડાં ભાંગતો હતો. એમાં એને એક સંધી મળ્યો. સંધી ગીરમાં ઘાસચારાનું એક સારું ઠેકાણું જોઈને પોતાનો માલ ચારવા જાય, પણ એક ચારણનું મવાડું યે ત્યાં આવીને હમેશાં પડે. આમ ઘાસ ચારામાં ભાગ પડે એ સંધીને ગમે નહિ. ચારણોનું કાસળ કાઢવા માટે સંધી ગીગા ભેગો ભળ્યો અને થોડાક ગામતરાં કર્યાં પછી એણે ગીગાને કહ્યું કે “ગીગા મૈયા, હવે એક મારૂં ગામતરૂં તો કરવું જોવે ને ભાઈ ?”

ગીગો કહે “ભલે, હાલો !”