પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદુ મકરાણી
૬૩
 

શા કારણથી એણે પોતાની બંદૂક ઓટલા ઉપર પછાડી ભાંગી નાખી અને “યા અલી મદદ !” કરી તલવાર ખેંચી ઓડા ઉપરથી એણે ઠેકડો માર્યો. દોડીને એ ગાળ કાઢનાર સવારને તો ઠાર કર્યો, પણ ત્યાં તો એના શરીર ઉપર ગોળીઓનો મે વરસી ગયો. વઝીરમહમદ ઢળી પડ્યો.

મોટા ભાઈને પડતો દેખી ૧૪-૧૫ વરસનો નાનો ભાઈ અબ્દરહેમાન તલવાર ખેંચી દોડ્યો અને પોતાના હાથનું કાંડું ઝાટકા વડે કપાઈને લટકી પડ્યું ત્યાં સુધી એ ઝુંઝ્યો. એ પણ પડ્યો. મકરાણીના મોરચા તૂટ્યા. ગામનાં ખોરડાં સળગ્યાં. લાખેણા જુવાનો ઉભા ઉભા ભાંગી ગયા પણ તસુ યે હટ્યા નહિ.

થોડી વાર થઈ અને એક જખ્મી મકરાણી પેટ પર કપડું વીંટી લથડીયાં લેતો ઓસરીએ આવ્યો: અલીમહમદને ખબર દીધા કે “બાપુ, વઝીરમહમદ કામ આવી ગયા ને અબ્દુરહેમાન જખમી થઈને બેહોશ પડ્યા છે.”

અલીમહમદે ખામોશથી ખબર સાંભળ્યા. એણે પોતાના દિલને જરા પણ ઉશ્કેરાવા ન દીધું. ધીરે હાથે કુરાન બંધ કરી, અદબથી એક તરફ મૂક્યું. જખ્મી અબ્દરહેમાનનું શરીર આવી પહોંચ્યું તેને બી અમન વાળા ઓરડામાં ઢોલીઆ પર પોઢાડ્યું. ને પછી પોતે ઉભા થઈ હમેલ અને તલવાર બાંધી. ભેટ વાળીને જમૈયો નાખ્યો. તમંચો કમર પર બાંધ્યો. હાથમાં મોટી બંદૂક લીધી. લઈને ધીરે પગલે બી અમન પાસે આવ્યો. આટલું જ બોલ્યોઃ “ખુદા હાફેઝ ! હમારા ગુન્હા માફ કરના ! રંજ નહિ કરના ! રોજ હશરકે રોજ ખુદા મિલાયગા જબ મિલેંગે. ખુદાકી યાદ કરના.”

એટલું કહીને બાલબચ્ચાંને ગોદમાં દાબ્યાં. બચી દીધી. બી અમનને છેલ્લી સલામ કરી એ પાછો વળ્યો. બરાબર ફોજની સામે જ ચાલ્યો. પછવાડે પછવાડે બુઢ્ઢા હુસેન બંધાણી પણ તલવાર લઈને, અલીમહમદના ઓછાયા રૂપ બની ચાલ્યા.