પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૧૦૩
 


પછી અંબારામભાઈએ કહ્યું “ શાબાસ કાદરબક્ષ ! શાબાસ જુવાન ! દુનિયામાં સિપાહીગીરી કરી દેખાડી. નામ રાખી દીધું.”

કાદુએ જવાબ આપ્યો “અંબારામભાઈ ! અમે તો આપના અહેશાનમંદ છીએ કે ઇણાજ પર ચડીને આવ્યા છતાં તમે અમારો મલાજો કાયમ રાખ્યો. બાકી આપ તો ચિઠ્ઠીના ચાકર. આપને ક્યાં અમારી જોડે વેર હતું ! પણ મારૂં દિલ અત્યારે ચીરાય છે કેમકે જે ધણીનું નીમક આ રૂંવે રૂંવે ભર્યું છે તેની સામે અમારે હથીઆર ઉપાડવાં પડ્યાં, એની રૈયતને બેહાલ કરી અમે એનાં ઢગલાબંધ માણસો માર્યાં, અને જે દેશમાં અમે જન્મી મોટા થયા તેને જ અમે ધૂળ મેળવી દીધો. એમાં અમારો વાંક હશે. પણ સાહેબ ! અમને એક તક પણ મળી નહિ. અમને મરાવવા હતા તો નવાબ સાહેબના કોઈ દુશ્મનની સામે લડાવી મરાવવા હતા. અમારૂં મોત તો સુધરત ! હવે તો ખેર ! હરભાઈ, અંબારામભાઈ, તમે બેય અમારા વતી સહુની પાસે છેલ્લી માફામાફી કરજો હો !”

એ આટલું બોલી ગયો, પણ એના અવાજમાં ફરક નહોતો પડ્યો. અસલ દીઠી હતી તે જ ખામોશી આજે એનું મોત સુધારવા માટે જાણે એના અંતરમાં ખીલી ઉઠી હતી. એના બોલ સાંભળીને અંબારામભાઇની વૃદ્ધ આંખો પલળી ગઈ. એણે તો ફરી ફરી કહ્યા જ કર્યું કે “૨ંગ કાદરબક્ષ ! રંગ છે તારી હિમ્મતને અને રંગ તારી સમજને !”

અંગ્રેજ સુપરીન્ટેન્ડેન્ટ અને સિંધી અમલદાર તો આ દેખાવ જોઈ જ રહ્યા. સોરઠની મર્દાઈની ને માણસાઈની તેઓને ગમ નહોતી. જે લોકો હથીઆરો બાંધી કાદુની સામે લડે તે જ લોકો આજ જૂના દિલોજાન દોસ્તોની માફક આ ખૂનીની સાથે વાતો કરે, એ બીના આ અજાણ્યા લોકોને ભયંકર લાગી. તેએાની ભ્રુકૂટીઓ ચડી ગઈ હતી. છેવટે સિંધી ફોજદારથી ન રહેવાયું. એણે ટોણો માર્યો કે “યે બદમાશકો હમને ઈધર ચપટીમેં પકડ લિયા, આપ લોગ કુછ નહિ કર સકતે !”