પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
સોરઠી બહારવટીયા : ૩
 


પચીસ જ વરસ ઉપરની તાજી વાત છે. ધારગણી ગામની ગુજરાતી નિશાળમાં વાણીઆ લોહાણાના છોકરા જ્યારે લેખાં ને મોપાટ ગોખતા અને એક બીજાની પાટીમાંથી દાખલા ચોરી લેતા, ત્યારે ઓરડાને ખૂણે છ આઠ રખડુ કાઠી નિશાળીઆ વચ્ચે વાદાવાદ લાગી પડ્યો હતો કે કોણ મોટેરૂં ? ધાનાણી કુળ મોટું કે ગાંગાણી કુળ મોટું ? ગાંગાણી કાઠીના છોકરા કહે કે “એ રામભાઈ ! તારા ધાનાણી તો અમારા ચાકર હતા. ધાનાણીએ ક્યાંય એકલાં ગામતરાં કે ધીંગાણાં કર્યા સાંભળ્યાં છે ?”

ઘઉંવરણો, શીળીઆટા મોઢાવાળો, ઉંચી કાઠીનો અને માથા પર આંટી પાડીને બાંધેલી છતાં લીરે લબડતી પાઘડીવાળો રામ નામનો એક છોકરો સળગી ઉઠીને જવાબ દેતો કે “ઈ કાંઈ હું ન જાણું. ઈ ચોપડા મારે ઉખેળવા નથી. આજ પારખું કરવું હોય હોય તો હાલો શૈલ્યના વેકરામાં. હું એકલો ધાનાણી અને સામા તમે ત્રણ સામટા ગાંગાણી: આવો, ધીંગાણું કરીએ. જે જીતેને ઈ મોટો. હાલો જો માટીમારના દીકરા હો તો !”

ધીંગાણાના તરસ્યા છોકરાઓને સાંજ તો માંડ માંડ પડી. નિશાળનો ઘંટ વગડ્યો. કાઠીના છોકરા ડાંગો લઈ લઈ પાદરમાં ચાલી જતી ઉંડી અને અખંડ વહેનારી શેલ નદીના પટમાં ઉતર્યા. લીરાવાળી પાઘડીઆળો ને શીળીઆટા મોઢાવાળો ધાનાણી છોકરો મંડ્યો હાકલા કરવા કે “એલા ભાઈ, હવે બાંધવું હોય તેા ઝટ કરોને, નીકર આ દિ' આથમી જાશે અને આપણે કોક મરશું તો અવગત જાશું, માટે સટ કરો, હમણાં મા'રાજ મેર બેસી જાશે.”

સામે ત્રણ જણા ઉભા તો થયા હતા, પણ એ લીરાળી પાઘડીવાળા છોકરાના ગામના એક કુંભારનો છોકરો અને બીજો એક કાઠી છોકરો, બેય વચ્ચે પડીને આ એકલમલ છોકરાને વિનવીને ઠારે છે કે “એ રામભાઈ, નાહક કોકનાં હાથ માથાં ભાંગશો. ભલો થઈને રે'વા દે.”

“શવજી, હાથીઆ, તમે કોરે ખસી જાવ ! ઈ ત્રણ ને હું એકલો – આ ધડી પારખું કરી લઈએ. આમાં ક્યાં વેરનો કજીઓ છે?”