પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩

પ્રારંભિક દિવસોમાં તો ભાગ્યે જ તેઓમાંનો એક પણ બહારવટીઓ સ્ત્રીઓને, બાલકોને, વૃદ્ધોને કે અશક્તોને જાણીબુઝીને પીડવાનો દોષિત બન્યો હશે. કદાચ જુમા ગંડ સિવાયનો તો એકેએક સાચો અસલી બહારવટીઓ મેં કાઠીઆવાડ છોડ્યું તે પૂર્વે જ કાં તલવારથી, કાં ફાંસીથી અથવા તો કાળાપાણીની સજા વડે સાફ થઈ ચુક્યો હતો. આમાંના અનેકની સાહસિક કારકીર્દિના આખરી પ્રવેશો સાથે મારે સારી પેઠે નિસ્બત હતી; અને જો કે મારે હમેશાં કાયદેસર તો કરવું જ પડતું, તે છતાં મને આ ગેરમાર્ગે ઉતરી ગએલા ને બુરો વર્તાવ પામેલા મરણીઆ મર્દોને માટે સાચું માન થયા વિના રહેતું નહિ. મોતને ભેટવાનું નોતરૂં સાંભળીને માત્ર એક જ બહારવટીઓ થરથર્યો હતો: એ હતો : રાયદે ચારણ. ખેર ! આખા કાઠિઆવાડ ઉપર ત્રીસ વર્ષ પર આ બધી ઘટનાઓ રોજેરોજ બલકે કલાકે કલાકે બન્યા કરતી, એ વાત અત્યારે લગભગ ન મનાય તેવી લાગે લાગે છે–નહિ, ત્યાનું જીવન એ દિવસોમા રસભરપુર હતું-માત્ર બહારવટાનાં આવાં ખાસ લક્ષણો થકી જ નહિ, પણ બીજા સેંકડો રંગબેરંગી અનુભવો વડે, કે જે અનુભવો આજે છે તે કરતાં વધુ સાચા લાગતા, અનેકવિધ રોમાંચક રંગભભકથી ધબકતા લાગતા.”

હવે રાવ સાહેબ ભગવાનલાલનું માનવતાભર્યું કથન લઇએ :

“બેશક તેઓ થોડાં છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા ને શાબાશી પડકારાથી સારા સારા લડવૈયાનાં હાંજાં નરમ કરી નાખતા હતા તેનું કારણ એ જ હતુ કે તેઓ મરણીયા થયા હતા. મરવું મારવું એજ તેઓએ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેરે બેસીશું એવી તેમને આશા જ નહોતી. તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો અને તેજ કારણથી તેઓને પોતાનાં ઘરબાર અને બાપુકાં વતન મૂકી ભાગવું પડેલું. તેઓના સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ ને ટાઢતડકા વેઠી તેએાનાં મગજ ફરી ગયાં હતાં, અને તાલુકદારોની તથા સરકારી ફોજ તેઓને એક જગે નિરાંતે બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓના મગજમાં મજબૂત ઘર કર્યું હતું.      ×   ×   ×

“વાધેરો વિષે દેશના લોકોને પણ ઘણું તપતું હતું. તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે.

×   ×   ×