પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સોરઠી સંતો
 

ગરવાનાં [૧]ત્રીવર મારે રોમે રોમે રોપાણાં
[૨]શખરૂં રોપાવેલ મારે શિષે જી.

તનડાનાં [૩] તલ્લક મારે [૪]લેલાડે લખીયાં રે
છાપ ગરનારી કેરી દિસે જી.

કાશી ને પ્રાચી કેડે દામોદર નાઇં રે
નેણલે નરખું રે ગરવો વેલો જી.

નવસો નવાણું નદીયું અંગડે ઉલટીયું રે
ગંગા જમના સરસતી જી.

નવલખ તારા મારી [૫] દેઇમાં દરસાણા રે
ચાંદો સૂરજ નેણે નીરખ્યાં જી.

કાયા છે ક્યારો ને પવન [૬]પાણેાતીયો ને
ગરનારી સીંચણહારા જી.

સતગુરૂ સીંચણહારા જી.

સાંભળી સાંભળીને ગુરૂનું અંતર ઓગળવા લાગ્યું. પાપીની પરીક્ષા પૂરી થઇ ગઇ. છાતી પરથી વેલો નીચે ઉતર્યો. રામને ઉઠાડ્યો. રામને અંગે લાગેલી રજ ખંખેરવા લાગ્યા.

“રામ ! બેટા આટલી વારમાં ?”

“ગુરૂને પ્રતાપે. ”

“તારી શી મરજી છે ?”

“ બીજી શી ? તમે મળ્યા પછી બીજી શી મરજી બાકી રહી ? હવે તે નજરથી અળગા ન થાજો ! હે બાળુડા ! સદાય સન્મુખ રેજો ! સન્મુખ જ રાખજો !


  1. ૧. તરૂવર
  2. ૨. શિખરે
  3. ૩. તિલક
  4. ૪. લલાટે
  5. પ. દેહ
  6. ૬. વાડીમાંપાણી વાળનાર.