પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બાકી ઘણા ખરા ઘરબારી છતાં પણ બીનરોજગારી, કેવળ વસ્તીની સહાય પર રહેનારા હતા : જેવા કે ભાણ સાહેબ, ખીમ સાહેબ, રવિ સાહેબ વગેરે : કબીરજીની માફ સંસારવાસીઓ હતા, છતાં ભેખધારી કહેવાતા.

તેએાની ફિલ્સુફી

આ સોરઠી સંતોની જીવન-ફિલસુફી શી હતી ? તેઓના ચિંતનમાંથી કયો ધ્વનિ ઉઠતો ?

પ્રથમ તો તેએાની દૃષ્ટિમાં ન્યાત જાતોનું ઉંચનીચપણું નાશ પામ્યું હતું. સર્વે મનુષ્ય પ્રભુ પિતાનાં અને પૃથ્વી માતાનાં સંતાનો હતાં. સર્વેને ધર્મ આચરવાનો, ઉપદેશ દેવાનો, મુક્તિ મેળવવાનો અધિકાર હતો. તેથી જ આપણે તેઓના સંઘમાં આહિર, ચારણ, ગધઇ, કુંભાર, કાઠી, અધમ મનાતા અંત્યજ કોળી, વગેરે તમામ જાતના સંતોનો બેધડક સમાવેશ જોઇએ છીએ. મોટા નાનાની મારામારી મચ્યાનો બહુ ઇતિહાસ આપણને મળતો નથી.

એજ ઉદાર વલણ પાપીઓ અને પતિતો પ્રત્યે અંગીકાર થયેલું જોવાય છે. ઘોરમાં ઘોર પાપાત્માની સામે પણ પવિત્રાણનાં દ્વાર બંધ થઈ નથી જતા એ આ સંતોનો સૂર છે. રામડો શિકારી, જાદરો ચોર, વીસામણ લુંટારો, જારકર્મ કરી બેસનારી ગધઇ નારી લાખુ, અથવા ગરીબોનાં ગળાં કરનાર વ્યાજખાઉ વાણીઓ રવિદાસ : એ તમામને તરી જતાં ક્ષણ માત્રની પણ વાર નથી લાગી. તેઓને કોઇ સંતે શા૫ આપી નરકવાસની વાટ દેખાડી નથી, પણ પરિપક્વ થયેલા ફળની માફક, તેઓનાં પાપાચરણની મધોમધમાં પસ્તાવાની એક જ ઘડી આવતાં તેઓને ચુંટી લીધા છે. સમાજ પોતાની મરજાદી રૂઢીઓના મિથ્યાભિમાનમાં ચકચૂર થઈ જ્યારે ગધઇ યુવતી લાખુને એક જ ચારિત્ર્ય–દોષને કારણે તિરસ્કાર દઈ કુવામાં ધકેલતો હતો ત્યારે એ જ વસ્તીમાં રહેનાર, વસ્તીની જ સખાવત પર નિભનાર અને જૂના યુગના સંસ્કારો ધરાવનાર ભગત દાનાએ દુનિયાની