પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
 

વરસાદનાં પાણીમાં તે દિવસ જેવી માટી પીગળી ગઈ હતી, તેવા જ ઓગળી ગયેલા અંતરવાળો રતો દરબાર, પોતાની ડેલી મેલીને હોકો લઈ મેપા કુંભારને ચાકડે આવી બેસવા લાગ્યો. કુંભાર અને કાઠી વચ્ચેના ભેદ એને મનથી ટળી ગયા હતા. એણે હાથ લંબાવીને કહ્યું “લ્યો ભગત, હોકો પીશો ?”

“અરે આપા ! તમે ગલઢેરા, ને અમે વસવાયાં ! તમારો હોકો એઠો કેમ કરાય ? આ મારા ગારાળા હાથમાં હોકો બગડશે.”

“ના ભગત, હવે સૂગ મેલી દીધી. ગારો ગમવા માંડ્યો છે.”

એમ હોકો પીવા લાગ્યા. પછી તો રતા દરબારે મેપાનો હોકો ભરી દેવા માંડ્યું. અને ત્રીજે દિવસે તો મેપાના પગમાં ૫ડી અરજ કરી કે “ભગત ! મને તમારી કંઠી બાંધો.”

કુંભારની પાસે ભક્તિની દીક્ષા લઈને કાઠી દરેક મહિનાની બીજે મોલડીથી આઠ ગાઉ થાન ગામની જાત્રાએ આવતો થયો. એક દીકરી સિવાય રતાને કાંઈ છોરૂ નથી. દીકરીને થાન પાસેના સોનગઢ ગામના એક કાઠી વેરે પરણાવીને રતો આત્મજ્ઞાનમાં બેસી ગયો છે. એનો 'માયલો' મરી ગયો છે.

૨.
એક અદ્ધર સમળી સમસમે
બેની મારો સંદેશો લઈ જા !
મારા દાદાની ડેલીએ જઈ કે'જે
તમારી દીકરીને પડિયાં દુઃખ !
દીકરી ! દુઃખ રે હોય તો વેઠીએ
દીકરી સુખ વેઠે છે સૌ !
દાદા ! ખેતર હોય તો ખેડીએ
ઓલ્યા ડુંગ૨ ખેડ્યા કેમ જાય !