પૃષ્ઠ:Sorathi Santo.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાના ભગત
૩૯
 


“અરે ભણેં બાપ !” દાનો ભગત આ ત્રાસ જોઈને બોલ્યા, “બાપડાં પશુડાં તરસ્યાં છે, યાને પાણી પીવા દ્યો ને ! કાણા સારૂ વારતા સો ?"

“મારે નહિ ત્યારે શું ચાટે ? કાંઈ તારાં ગધેડાંને પાણી પાવા સાટુ કોસ જોડ્યા છે ? કાળ વરસનું પાણી ક્યાં વધારાનું છે ?”

“અરે ભણેં બાપ ! પાણીનો તૂટો કેવાનો ? આ સાત કોસ વહેતા સે ને ?”

“તે તારા જેવા મફતીઆ સાટુ કોસ નથી જોડ્યા, બાવા ! હાલ્યો જા છાનોમુનો. પાણી નહિ પાવા દઈએ.”

“અરે ભણેં ભાઈ ! ઠાકરની પાસે તો સંધાય જીવડા સારખા. ઠાકરે તમુંહેં પાતાળ-પાણી દીનો સે ! શીદ આ ગભરૂના નિસાપા લેતા સા ! પીવા દીયો, પીવા દીયો, ઠાકર તમુંહેં ઝાઝો પાણી આપશે. ”

“હવે હાલ્યો જા ઠાકરના દીકરા ! પાણી નથી કૂવામાં. ”

પાણી નથી ! એટલો શબ્દ જ્યારે પાંચ વાર બોલાયો, ભગતના કાલાવાલા એળે ગયા, અને તરસ્યાં ગધેડાંનાં મ્હોં પર લાકડીએાનો માર જોઈ ન શકાયો. ત્યારે દૂભાઈને ભગત એટલું જ બોલ્યા કે “ભણેં ભાઈ ! હાંકો ગધેડાને. યાના કૂવામાં પાણી નસેં. હાંકો, મેાંગળ અા સાતકોસી વાડી રહી. ઇસે પાશું !”

“હા હા ! જા, પડ્ય ઈ સાતકોસી વાડીમાં ?” એમ બોલીને કણબીઓએ હાંસી કરી.

ભગત આગળ ચાલ્યા. પોતે જેની સામે અાંગળી ચીંધાડીને બતાવી તે વાડી સાતકોસી તો નહોતી, પણ એકકોસી યે નહોતી. વીસ પચીસ ક્યારામાં ચાસટીઓ કરીને એક ગરીબ ખેડુત પોતાના ડુકેલા બળદથી એક કોસ ચલાવે છે. દસ ક્યારા પીવે ત્યાં કૂવાનું તળીયું દેખાય છે. વળી બળદ છોડી નાખીને કણબી વાટ જોતો બેસે ત્યારે ઘણી વારે કોસ બુડવા જેટલું પાણી ભરાય છે.