પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સોરઠી સંતો
 


જગ્યાના મોદીખાનાનો ઉપાડ થવા લાગ્યો. બે મહિના થયા ત્યાં તો ઉકાએ આપાને કહ્યું “આપા ! આ હિસાબનો ગોટો સારો નહિ. ચોક્ખું કરી નાંખીએ !”

“તો ભલે બાપ !”

તૂર્ત ભગત દુકાન પર ગયા. ઉકાએ કહ્યું “આપા ! કોઇક તમારો સાખીઓ (સાક્ષી) તેડી આવશો ને ?”

“અરે ભણેં બાપ ! સાખીયા વળી કિસેથી લાવાં !”

એ જ વખતે ત્યાં એક ઉંદરડી નીકળી. એટલે તૂર્ત જ ભગત બોલ્યા :

“એ ભણેં આ ઉંદરડી આપડો સાખીઓ !”

ઉકાને દાંત આવ્યા : “ આપા ! શું બોલો છો ?”

“હા બાપ હા ! ઉંદરડી તો ગણેશનો વાહન : તાળો ય નો રાખે ને માળો ય નો રાખે. ઈ આપડો સાખીઓ. લે કર્ય હવે આંકડો.”

“આપા ! પાંસઠ કોરી લેણી થાય છે.”

ભગત સમજ્યા હતા કે વાણીઆએ પચીસ કોરી વધારી દીધી છે. તૃર્ત પોતે મૂઠી ભરીને કોરી કાઢી: 'લે બાપ ! ગણું લે. પણ ભણેં બાપ ઉકા ! આ ધર્માદાની કોરી આકરી છે હો !"

“હેં-હેં-હેં આાપા ! અમારે તો સુંવાળી ને આકરી મણ્યે ય સારી !” લુચ્ચો ઉકો હસ્યો.

આંકડા ચૂકાવીને ભગત તેની જગ્યામાં ગયા. અને આંહી વાળુ ટાણે ઉકો દોશી દુકાન વાસીને ઘેર ગયા.

બીડેલી દુકાનમાં દીવો બળે છે, (તે દિવસોમાં તો કોડીયામાં મીઠું તેલ પૂરીને વાટ પ્રગટાવવામાં આવતી.) તે ટાણે પેલી સાક્ષી બનેલી ઉંદરડી ત્યાં આવી. આવીને એણે સળગતી વાટ્ય ઉપાડી. ઉપાડીને કાપડની તાજી આવેલી ગાંસડીઓમાં ચાંપી દીધી.