પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હવે શું થાય, હેં ઘૂઘાભાઇ?" વિદ્વાને પૂછયું.

"કાંઇ નહિ, ભાઇ!" ઘૂઘો કહે છે : "તમે તમારે સૂઇ જાવ. અમે હમણે મછવાને બા'રો કાઢશું."

સૂઇ જાવ! વિદ્વાનને આ મોતના મુખમાં સૂઇ જવાનું કહેનાર ખલાસી એ કાળી રાતનો કોઇ મૃત્યુંજય દેખાયો.

"ના ના, ઘૂઘાભાઇ!" વિદ્વાને વ્યાકુળતા છુપાવવા માંડી : "હું તમને કશી મદદ કરી શકું તેમ છું?"

"ના રે ના, સા'બ! તમે શી મદદ કરો!"

એમ કહેતાં એ બે ખલાસીઓ પ્રકૃતિના આ કાવતરાની સામે ઊતરી પડ્યા. નીચે પગ ચીરી નાખે તેવા ધારદાર પથ્થરોની દાંતી હતી. મછવાને પછાડીને મોજાં હમણાં જ ચડી બેસશે એવો આખરી મામલો હતો. મછવાની અંદર એક જીવતા જીવનું, અમલદારોના ઓળખીતાનું, ઘડીકમાં ગભરાઇ જાય અને ફડકે ફાટી પડે તેવી વાણિયા જ્ઞાતિના રતનનું જોખમ હતું.

"હે....અલ્લા! હે....અલ્લા! હે....અલ્લા!"

શ્વાસે શ્વાસે એ કરુણ રાગના અવાજ દેતા, બેઉ નાવિકો જહેમત કરતા હતા. સામે મોજાં ઘૂરકતાં હતાં. નીચે દાંતી દાંત ભરાવતી હતી. આઘે આઘે શિયાળ અને ચાંચની ધરતી કોઇ વિરાટ શબો જેવી સૂતી હતી. ભૂતના ભડકા કાઢતો કંદેલિયો ચાંચને પાછલે છેડે હાંફતો હતો. કાળી રાત હતી, કાળાં નીર હતાં. ભેંસલો ખડક જાણે વાટ જોતો હતો કે ક્યારે મછવાના કટકા થાય!

એ બધી કાળાશ વચ્ચે, એ સૂનકાર રાત્રિના ખા...ઉં! ખા...ઉં! બોલતા લોઢરૂપી ચુડેલો વચ્ચે, જીવનમરણનો જંગ ખેડતા બે ધીર મર્દોની એ વાણી કેવી સંભળાઇ હશે -

"હે....અલ્લા! હે....અલ્લા! હે....અલ્લા!"

એમાં તીણી ચીસો નહોતી. બુલંદ પોકાર નહોતો. જેને સંળાવવું છે તે જાણે કે પોતાની નજીક, પોતાની બાજુએ જ આવી ઊભો હોય એવો હળવો, મીઠો ને આખરી વેળાનો છતાં કાકલૂદી વગરનો, સાચા પુરુષાર્થનો એ અવાજ હતો. એ રાગણી મૃત્યુ સુધી સાંભરે તેવી હતી, એ પ્રાર્થના પવિત્ર હતી, કેમ કે પુરુષાર્થના કંઠની એ પ્રાર્થના હતી.

કાદા ઉપરથી મછવો ભરદરિયે કાઢીને પાછો સામતભાઇ બહાર નીકળવા ચાલ્યો ત્યાં ને ત્યાં: મોતના મોંમાં.

"હેં ભાઇ!" મેં અંદરની આકુલતાને ડહાપણની વાણીમાં વીંટાળીને કહ્યું : "વીળ્ય ઊતરી જાય ત્યાં લગી લોથારી નાખીને મછવો હોદારી આંહીં જ પડ્યા રહીએ તો શી હરકત છે? મારે કાંઇ પોટે પોગવાની ઉતાવળ નથી." (ભાષા મેં પકડી લીધી હતી!)

"અરે ના રે, ભાઇ!" સામતે નોક બતાવ્યો : "એમ કાંઇ બીને આંઇ પડ્યા રે'વાશે?"