પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કહ્યા ઉપર ભરોસો રાખવો નહિ એમ તે કોર્ટને અરજ કરવા લાગ્યો. નરેન્દ્ર એકદમ પોતે જાતે આગળ ધસી આવ્યો અને તે બૅરીસ્ટરને પૂછવા લાગ્યો : “સાહેબ, ચેલો એટલે શું તે તમે જાણોછો ? અલબત્ત હું ચેલો (શિષ્ય ) છું !” આમ કહીને શ્રીરામકૃષ્ણનો તે શિષ્ય છે એમ જણાવવા લાગ્યો. બેરીસ્ટર સાહેબને તો તેણે એવા ઉધડા લીધા કે તેના સવાલ જવાબ સાંભળીને અને તે કાયદાનો અભ્યાસી છે એમ જાણીને જડજ સાહેબ એકદમ બોલી ઉઠ્યા : “યુવાન માણસ ! તમે એક ઘણા સારા વકીલ થશો.” દાવાનો ચુકાદો નરેન્દ્રના લાભમાં થયો. તેણે એકદમ ઘેર જવા માંડ્યું. પણ સામા પક્ષના પેલા યુરોપીયન બેરીસ્ટરે તેને ઉભો રાખ્યો, તેના હાથ સાથે પોતાનો હાથ મીલાવ્યો, અને બોલ્યા : “જડજ સાહેબનું કહેવું બરાબર છે. ખરેખર કાયદો તમારો ધંધો છે. હું તમને મુબારકબાદી આપુંછું.”

નરેન્દ્ર દોડતો દોડતો ઘેર ગયો; ઘરનું બારણું ઉઘાડ્યું અને એક કુદકો મારીને ચોકમાંથી પસાર થયો; ઝટ તે દાદરે ચઢ્યો; વળી બીજો કુદકો મારીને ભુવનેશ્વરીની ઓરડીમાં ગયો. ને બોલી ઉઠ્યો “મા, મા, ઘર બચ્યું છે.” ભુવનેશ્વરી દેવીના હર્ષનો પાર રહ્યો નહિ. તેમણે નરેન્દ્રને માથે હાથ મુક્યો અને આશિર્વાદ આપ્યો. આમ માતા અને પુત્રે સુખની ઘડી અનુભવી.

આ પ્રમાણે ઘર તો જતું બચી ગયું, પરંતુ આર્થિક બાબતોમાં તો કેટલાંક વર્ષ સુધી ઘરમાં વિપત્તિ જ રહી. ખાવાને માટે ઘણો સાદો અને હલકો જ ખોરાક તેઓ પામતાં અને પહેરવાને માત્ર જાડાં કપડા જ હતાં. જીવનના આ દિવસોમાં સાદું ભોજન પણ બે વખત મેળવવું તેમને કઠણ થઈ પડ્યું. ઘણી વખત નરેન્દ્ર અડધો ભૂખ્યો રહેતો અને ઘરનો નિર્વાહ કરવાને દરેક પ્રયાસ કરતો.

લાગવગની આશાથી તે ફ્રીમેસન થયો, વિદ્યાસાગરની એક