પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પોતાના મંદવાડમાં પણ શ્રીરામકૃષ્ણ પોતાના શિષ્યને અનેક વાતોનાં રહસ્ય સમજાવતા અને દ્રઢ કરાવતા હતા. હિંદુધર્મનાં અનેક ગૂઢ સત્યો તેના જુદાં જુદાં સ્વરૂપ, બાહ્ય ક્રિયાઓ અને તેના માર્મિક અર્થોને પોતાના શિષ્યના મગજમાં ઉતારતા હતા. કાશીપુરમાં આ પ્રમાણે દિવસો ગળાતા હતા. એક તરફ શ્રીરામકૃષ્ણની આત્મજ્યોતિ વધારે ને વધારે પ્રકાશિત બન્યે જતી અને બીજી તરફ નરેન્દ્રના વૈરાગ્યની ઉજ્જ્વળ પ્રભા વધારે ને વધારે ખીલતી હતી.

શ્રી રામકૃષ્ણને અનેક શિષ્યો હતા. તેમાંના કેટલાકે સંન્યાસ દિક્ષા લીધી હતી. બાકીના ગૃહસ્થાશ્રમમાં જ રહ્યા હતા. સર્વ શિષ્યમાં નરેન્દ્ર મુખ્ય હતો. પણ એક રીતે જોતાં તેમના સર્વ શિષ્યમાં પ્રથમપદે વિરાજનારી શિષ્યા, શ્રી રામકૃષ્ણની પરિણત પત્ની-શ્રીમતી શારદાદેવી—હતી. શારદાદેવી બ્રહ્મચારિણી હતી. સર્વ શિષ્યોની માતા હતી. શ્રીરામકૃષ્ણને તે ગુરૂ તરીકે–નહીં કે પતિ તરિકે-માનતી. શ્રીરામકૃષ્ણની તે પત્ની છે એ ભાવ પોતાના મનમાંથી શારદાદેવીએ કહાડી નાખ્યો હતો. શ્રી રામકૃષ્ણ પણ તેને પોતાની ધર્મની માતા તરિકેજ સમજતા ! શારદાદેવી વિષે બોલતાં શ્રીરામકૃષ્ણ અતિ નમ્રભાવથી બોલતાઃ “તે સાક્ષાત દેવીનો અવતાર છે. તે મહામાયા-મા છે !” શ્રીરામકૃષ્ણે શારદાદેવીનો પરિત્યાગ કર્યો નથી તેમજ શારદાદેવી શ્રીરામકૃષ્ણને મુકીને કદિ આઘાં ખસ્યાં નથી. દક્ષિણેશ્વરમાં તે એક જુદા મકાનમાં બીજી શિષ્યાઓ સાથે રહેતાં. જેમ ભગવાન બુદ્ધ અને તેમની પત્ની-શિષ્યા યશોધરા-પતિ પત્ની ભાવ દૂર કરી, ગુરૂ શિષ્યનો સંબંધ ધરી રહ્યાં હતા તેમજ ભગવાન શ્રીરામકૃષ્ણ અને શ્રી શારદાદેવી પણ માનુષ સંબંધ દૂર કરી ગુરૂ શિષ્યના પવિત્ર સંબંધથી જોડાઈ રહ્યાં હતાં.

શ્રી શારદાદેવીનો શ્રીરામકૃષ્ણ સાથેનો સંબંધ આવો હતો. આ સંબંધની સત્યતા વિષે એક શિષ્યે એક વખત મનમાં જરા શંકા