પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

યશ અને અગત્ય અપાવનાર આ મહાપુરૂષ-વિવેકાનંદને માન આપવાને આવી ગંજાવર સભા મળેલી જોઈને હું ઘણોજ ખુશી થાઉં છું.”

સભાનું કામ શરૂ થયા પછી ઇંડિઅન મિરર પત્રના અધિપતિ બાબુ નરેન્દ્રનાથ સેને કરેલા ભાષણમાંથી થોડીક લીટીઓ અત્રે આપવામાં આવે છે. તે આ પ્રમાણે છે:

“આ નગરમાં આવી જાતની સભા આ પ્રથમ મળેલી છે, કારણ કે આપણે ઘણે ભાગે કોઈ રાજદ્વારી પુરૂષને જ માન આપવાને એકઠા મળીએ છીએ, પણ આજે આપણે એક હિંદુ સાધુને માન આપવાને એકઠા થયા છીએ. તે સાધુ સમુદ્ર ઓળંગીને દૂરના પ્રદેશમાં ગએલા છે અને ત્યાં તેણે પોતાની વિદ્યાના પ્રભાવથી અને વકતૃત્વશક્તિથી હિંદુધર્મનો અદ્ભુત બચાવ કરેલો છે અને તેનું ગૌરવ વધારેલું છે. વળી વધારે આશ્ચર્યની વાત તો એજ છે કે તે સાધુની ઉમ્મર ભાગ્યેજ ત્રીસ વર્ષની હશે ! આટલી નાની ઉમ્મરે અમેરિકન પ્રજા જેવી ઘણી આગળ પડતી પ્રજાને જે પુરૂષ એક વિજળીની માફક આંજી ચકિત કરી નાંખે, તે પુરૂષ ખરેખર ઘણોજ અદ્ભુત હોવો જોઈએ અને તેનું ચારિત્ર્ય ઘણું જ ભવ્ય હોવું જોઈએ !...એમની ફતેહથી આપણ હિંદુઓને પ્રજા તરીકે એક નવોજ જુસ્સો પ્રાપ્ત થયો છે. હિંદુ તવારીખનાં અંધકારયુક્ત પાનાં ઉપર તેમણે પ્રકાશનું એક ઘણું જ તેજસ્વી કિરણ નાંખ્યું છે. સ્વામી વિવેકાનંદ જેવા મનુષ્યો હમેશાં પાકતા નથી. આપણી માતૃભૂમિના ઇતિહાસમાં ઘણો અગત્યનો ભાગ ભજવવાને તે ઉત્પન્ન થએલા છે. તેમની શક્તિ અસાધારણ છે. તેમની વિશાળ અને તેજસ્વી આંખોમાંથી ચારિત્રના પ્રભાવનાં કિરણો સર્વત્ર પ્રસરી રહેલાં છે અને તે પોતાના પરિચયમાં આવનારા સર્વેમાં નવીન પ્રકાશ