પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૫


રહેલો છે. હિંદની એકતાના મૂળ સ્વરૂપે ધાર્મિકતા હજી પણ આખા ભારતવર્ષમાં ગામે ગામ અને ઝુંપડે ઝુંપડે વ્યાપી રહેલી છે. પરદેશીઓના અનેક હુમલાઓ છતાં તે નષ્ટ થઈ નથી અને નષ્ટ થવાની પણ નથી. આખા જગતને તેનાં સર્વ સામાન્ય તત્વોમાં તે ડૂબાડશે અને એ વડે તે સમસ્ત જગતનું ગુરૂપદ હાથ ધરશે. આ પ્રમાણે પાશ્ચાત્ય પ્રજાઓ કે જેના રસાયણીક જ્ઞાનથી અખિલ વિશ્વ મોહિત થએલું છે; જેમની વિદ્યાના પ્રભાવે આખા જગતને ચકિત કરી મૂક્યું છે, જેમની બુદ્ધિએ પાંચ તત્વોને પણ દાસત્વ સ્વીકારાવ્યું છે; તે મહા પ્રજાઓના મનમાં હિંદની શ્રેષ્ઠતા અને ભારતવાસીઓની મહત્તા ઠસાવવી અને હિંદુ જીવનજ ખરું જીવન છે, ઐહિક સુખ તુચ્છ છે, એમ નિશ્ચય કરાવીને અનેક પાશ્ચાત્યોને વેદાન્તમય જીવન સ્વીકારાવવું; એજ તેમની અદ્દભુત બુદ્ધિનું ગૈારવ છે. એજ તેમના સમસ્ત જીવનની બલિહારી છે. આધુનિક સમયમાં હજારો પરદેશીઓ વેદાન્ત ધર્મ પાળે છે અને કેટલાક તો સ્વદેશ છોડી હિંદમાં આવી વેદાન્તમય જીવન ગાળે છે; એ સર્વે આ સાધુ જીવનનોજ પ્રતાપ છે.

સ્વામીજીના ઉત્કૃષ્ટ જીવનની અસર સમસ્ત હિંદુ પ્રજા ઉપર થએલી છે. જુના વિચારના લોકોએ તેમજ સુધારકોએ તેમના ગંભીર અને સર્વ સામાન્ય વિચારોને વધાવી લીધા છે; તેમના ચારિત્ર્યથી અને બોધથી નાસ્તિકો આસ્તિક થયા છે; ઘણાનાં જીવનમાં નવો રસ રેડાયો છે; ઘણાને પ્રોત્સાહન મળ્યું છે; ઘણાના જીવનપથ બદલાયા છે; અને અનેક વિપથગામીઓ સુમાર્ગે પ્રવર્ત્યા છે. કોઈ વ્યક્તિને કે કોઈ ધર્મને, કોઈ સમાજને કે કોઈ મંડળને તેમણે કદી નિંદ્યું નથી. ક્રીશ્ચિયનોને તે ક્રાઇસ્ટના અનુયાયી જણાતા; બૌદ્ધોને તે બૌદ્ધ દેખાતા; બ્રહ્મસમાજીઓને તે બ્રહ્મસમાજી દીસતા; આર્ય સમાજીઓને મન આર્ય જણાતા અને મૂર્તિપૂજકોને મન તે મૂર્તિપૂજક