પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ચ્હડે તો આખા શહેરમાં હાહાકાર થઈ જાય છે તેવા મનુષ્ય તરફ સહાનુભૂતિ દર્શાવનાર અને તેમનાં સુખદુઃખમાં ભાગ લેનાર એક પણ મનુષ્ય આપણા દેશમાં ક્યાં છે? જુઓ, હિંદુઓની સહાનુભૂતિ વગર અને આભડછેટના તિરસ્કારને લીધે મદ્રાસ ઇલાકામાં કેટલા બધા અંત્યજો ખ્રિસ્તી થઈ જાય છે ? એમ નહિ ધારતા કે માત્ર ભુખને લીધેજ તેઓ ખ્રિસ્તી થઈ જાય છે; પરંતુ તમે તેમની દરકાર કરતા નથી અને ઉલટા તિરસ્કાર કરો છો. તે છતાં બહુજ અગત્યની સેવા તેમની પાસેથી લઈને બદલામાં એંઠું અન્ન પણ તેમને પેટ ભરીને ખાવા આપતા નથી, તેથીજ તેઓ તેમ કરે છે. દેશમાં મનુષ્ય પ્રેમ કે ધર્મ વિચાર ક્યાં રહ્યો જ છે? હવે તો માત્ર "સ્પર્શાસ્પર્શ” રહેલું છે. આવી અધમ રૂઢિઓને કહાડી નાખો. સ્પર્શાસ્પર્શનાં બંધનો કહાડી નાંખવાની અને સર્વેને “ઓ ગરિબો, ઓ નિરાધાર અને પતિતો, આવો, આપણે બધા એકજ પ્રભુનાં સંતાન છીએ” એમ કહીને તેમને સત્કારવાની કેટલી બધી જરૂર રહેલી છે ? જ્યાં સુધી તેઓને સત્કાર આપીને તેમની સ્થિતિ સુધારવામાં આવશે નહિ ત્યાં સુધી સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિના અખૂટ ખજાનારૂપી શ્રીમહામાયા જગદંબા તમારા દેશમાંથી ચાલ્યાં ગયાં છે તે પાછાં આવીને વસશે નહિ. આ લોકોને જગતના પ્રપંચની ખબર નથી. બીજાઓ જે તેમની મજુરી ઉપર તાગડધિન્ના કરી તેમના ઉપર સત્તા ચલાવે છે તેમની અનીતિ અને કળવકળની આ લોકોને ખબર નથી, તેમજ કામ કરવાના અનેક રસ્તા અને પોતાના આત્મબળને તેઓ જાણતા નથી, તેથીજ સખત મજુરી કરતાં પણ આ લોકોને પુરાં અન્નવસ્ત્ર સુદ્ધાં મળતાં નથી. ભાઇઓ, તેમનું અજ્ઞાન ટાળવાને તમારાથી બનતા સઘળા ઉપાયો કરો. દિવસના પ્રકાશની માફક હું પ્રત્યક્ષ જોઈ શકું છું કે મારામાં જે બ્રહ્મ રહેલો છે તેનો તેજ બ્રહ્મ તેમનામાં પણ રહેલો છે. મારામાં જે શક્તિ રહેલી