પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૧
લોકચર્ચા.

 લોકચર્ચાનું વાદળ દૂર કરાવવા માગતા હો તો, મ્હને ચહાતા હો તો હું કહું છું તેમ કરો.”

આટલું બોલતાં તરલાનાં નાજુક ગાત્રો ધ્રુજવા લાગ્યાં, આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં અને હમણાં બેભાન થઈ જશે એમ ભય લાગ્યો.

ભૂજંગલાલ, બેદરકાર–સ્વતંત્ર ભૂજંગલાલ આ સ્થિતિ જોઈ કાંક ગભરાયો. સ્વતંત્ર જીવનમાં વિઘ્ન આવ્યું એમ હેને લાગ્યું. આટલા જ માટે અમેરીકામાં કેટલાક યુવાનો લગ્નની ધોંસરી નથી માગતા. આ બેડી, આ જવાબદારી શા માટે જોઈએ? એથી કેટલી અગવડો વધે છે ત્હેનું ક્ષણવાર ભાન થતાં ભૂજંગલાલ મુંગો જ રહ્યો. તરલા ભૂજંગલાલના ચહેરા તરફ જોઈ જ રહી. અને 'એમને પણ થાય છે.' એમ લાગ્યું. પરન્તુ નિર્દોષ, પવિત્ર, વ્હાલસોઈ તરલા ભૂજંગલાલને ઓળખી શકી નહોતી. જો અને જેવી લાગણી પોતાને થાય છે તે અને તેવી જ લાગણી ભૂજંગલાલને થાય છે એમ ધારતી હતી. તરલાની સ્થિતિ જાણતાં ભૂજંગલાલના હૃદયમાં ત્રાસ છૂટ્યો હતો. ભૂજંગલાલ શરતની વાત વિસરી ગયો.

'તરલા ! હવે એ જ. આપણે લગ્ન કરીશું. પછી ?'

'હું પણ એ જ કહું છું. એ જ કહેતી આવી છું. આ સ્થિતિ આવી ને સમજ્યા તે પણ પ્રભુનો ઉપકાર ! ત્યારે ક્યારે લગ્નક્રિયા કરશો ? મ્હારાં માતપિતાને ક્યારે ખબર કરીશું ? લગ્નક્રિયા ક્યાં કરીશું ?'

'તરલા ! એ તો થઈ રહેશે. આપણે જુદાં સાથે રહીશું એટલે બસ.'

'ના, એ કદી નહિ બને. ન્યાતની રૂઢી પ્રમાણે સુમનલાલની સાથે વિવાહ તોડ્યો નથી–તોડી શકાય એમ નથી. ત્હેની દરકાર ન કરીએ, ન્યાતનો દંડ ન ભરીયે, ન્યાતની પણ દરકાર ન કરીયે પણ લગ્નનું શું છે જ્યાં સુધી મા, બાપ, સગાંવહાલાં, લોકો આપણું કાયદેસર લગ્ન થયું છે એમ ન જાણે ત્યાં સુધી આપણે માટે શો મત બાંધવાના ?