પૃષ્ઠ:Tarlaa.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૭
વસન્ત અને અરવિન્દ.


'શું કહે છે? શું થયું છે ? ક્યારની? શાથી?—”

એટલામાં શિવાલય આવ્યું અને વાત અટકી. બન્ને મિત્રો, શિવાલયમાં પેઠા. અંદર મંડપમાં પોઠીઆને સ્પર્શ કરી પવિત્ર થઈ શંકરને પગે લાગી પુજારીની સાથે વાત કરી બહાર નિકળ્યા ને વાત શરૂ થઈ. વસન્ત લીલાને ભૂજંગલાલનો પ્રસંગ, લીલાનો ભૂજંગલાલ પ્રત્યે ભાવ, લીલાની માતાનો દુરાગ્રહ વગેરે અથથી તે ઇતિ સુધી કહી સંભળાવ્યું. અરવિન્દ સર્વ વાત ધ્યાનથી સાંભળતો હતો. હવે મ્હારે ને લીલાને શું છે કહેનારો અરવિન્દ્ર જાગૃત થયો. એની આશાના કિરણો ફરીને દેખાવા લાગ્યાં, અને લીલા પણ પોતાની માફક દુઃખી છે, ચિન્તાથી બળે છે જાણી સંતુષ્ટ થયો. પણ જ્યારે વસન્તલાલે ભુજંગલાલ કુટુમ્બમાં કેવી રીતે દાખલ થયો, લીલાની માતાને ભૂજંગલાલ પ્રત્યે જમાઈ કરવાનો ભાવ કેમ થયો એ કહ્યું ત્યારે અરવિન્દ એટલું બોલ્યો, 'એક કુટુમ્બની અંદરની વાત જાણવાનો હક નથી.’

ઘર આવ્યું, બન્ને મિત્રો સહજ છૂટા પડયા. અરવિન્દે જ્યારથી લીલાની વાત સાંભળી હતી ત્યારથી એની શાન્તિ જતી રહી હતી. જે ગામડાંમાં અત્યાર સુધી આનંદ મળતો તે જ ગામડું અત્યારે એને દુઃખથી ભરપુર લાગવા માંડયું. એક પ્રશ્ન પૂછવાનો રહી ગયો અને વસન્તે એ સંબંધી કાંઈ જ કહ્યું નહોતું, તેથી રાત પડતાં પ્રસંગ કાઢી અરવિન્દે પૂછયું, 'અને ભૂજંગલાલ કયાં છે ?'

ભૂજંગલાલ ક્યાં છે તેને ઉત્તર આપતાં વસન્તલાલ ગભરાયો. ભૂજંગલાલ અને તરલા સંબંધી કાંક અફવા ઉડતી ઉડતી ત્હેના કાને આવી હતી. એ કહેવી ઠીક નહી માની એટલું જ બોલ્યોઃ

'ભૂજંગલાલ સુરત છે. ત્હારા ગયા પછી તરત જ એણે મુંબાઈ છોડ્યું અને હજી સુરત જ છે......અરવિન્દ ! ખરું પૂછાવો તો લીલા ત્ંહે હાથે કરીને ખોઈ છે. ભૂજંગલાલ રખેને પરણી જશે. ભૂજંગલાલ મારા કરતાં સારો છે, એ વિચારે ગભરાઈ તું નાસી આવ્યો.