પૃષ્ઠ:Tarlaa.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૦
તરલા અથવા ઉર્મિનો આવેગ


તરલાને ચાહતો હતો, તરલાનો ન્હાનપણથી તેને અનુભવ હતો, વળી હમણાં જ એની શંકા દૂર થઈ હતી. આ સુમનલાલ પોતાની સન્મુખ ભૂજંગલાલના નામ સાથે તરલાનું નામ જોડાયેલું સાંભળે, પાસે બેઠા છતાં, પોતાની જરાએ દરકાર રાખ્યા સિવાય ભૂજંગલાલની ચિંતા કરતી પોતાની પત્નીને જુવે, પછી સુમનલાલ આકળો થાય એમાં શી નવાઇ? સુમનલાલ આકુળવ્યાકુળ થયો, તેનાં રૂવાટાં ઉભાં થયાં, આંખમાંથી તણખા ઝરવા માંડ્યા. તે બોલ્યો :

'તરલા ! તરલા ! ડાહી ચંદાની ડાહી નણંદ તું જ કે ? વ્હાલથી ચાહ પાનાર તું જ કે ? રખેને વ્હાલમાં ને વ્હાલમાં કાસળ કાઢવા ઝેર આપ્યું હોય!'

દોડતી ગાડીના ખડખડાટ અને પવનના ઝપાટે તરલાનું ભમતું મગજ ઠેકાણે આવવા માંડયું. ભૂજંગલાલ-મરવા પડેલા ભૂજંગલાલને બદલે નજર આગળ સુમનલાલ જણાયો. સુમનલાલનો સ્પર્શ થયો, કાનમાં સુમનલાલના શબ્દ પડયા અને સૂર્યનાં કિરણ આગળ અંધકાર નષ્ટ થાય તેમ તરલાના હૃદયમાંથી ભૂજંગની છબીનો નાશ થયો અને તરલાના મ્હોં ઉપર સ્મીત [૧] દેખાયું. 'તરલા’ શબ્દ તરલાને મોહક લાગ્યો અને ગાડીમાં ને ગાડીમાં જ તરલા સુમનલાલના હાથને હાથમાં લઈ પંપાળવા જતી હતી ત્યાં એના છેલ્લા શબ્દ સંભળાયા. મનુષ્યને પોતાનો વાંક વસતો જ નથી અને ત્હેમાં સ્નેહના સંબંધમાં સ્નેહીને બદલે વડિલ તરીકે, ઠપકારૂપે–મહેણારૂપે કહેવામાં આવે તે તે સ્નેહાળ હૃદયને ગમતું નથી. તરલાની આજ સ્થિતિ હતી. 'શું ? મ્હેં ઝેર આપ્યું ? મ્હેં વ્હાલથી ચાહ કરી આપ્યો ત્હેનો બદલો તો સારો મળ્યો ! ભૂજંગલાલ કદી આમ બોલ્યા નથી.' એમ થયું ને તરલાએ સુમનલાલનો હાથ દૂર કર્યો.


  1. ૧. ખુશાલી પ્રગટી.