પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૯
વીણા.

 વિવાહ તૂટવાનો છે, એવું સાંભળી વીણાની માતા અને પિતાએ વીણા માટે સુમનલાલને ધાર્યો. ભૂજંગલાલની કીર્તિ સાંભળી હતી. ભૂજંગલાલ તંદુરસ્ત, પૈસાદાર, ખુબસુરત, ભણેલો, વગવાળો, મોહક, બધાંને આંજી દે એવો છે એમ સાંભળ્યું હતું પણ લીલા સાથે ન ફાવ્યું. એવી એકાદ બેને એણે ના કહી હતી તે વાત પણ કાને આવી હતી એટલે પાકી ખાતરી કર્યા સિવાય વિણાને આપવી ઠીક ન લાગવાથી વાત વમળમાં ચ્હડી હતી. એટલામાં સુમનલાલનો વિવાહ તૂટે તો તે ભાવતું હતું ને વૈદે કહ્યું એમ હતું.

વીણા મોટી થતી હતી–એનું યૌવન [૧] ખીલ્યું જતું હતું. એ પણ પરોક્ષ [૨] રીતે અરવિન્દ-સુમન–ભૂજંગની ખબર કહાડતી હતી. આ સર્વમાં ભૂજંગ એના સ્વતંત્ર વિચારોને વધારે રૂચ્યો હતો. જેમ બને તેમ વહેલું નક્કી કરવાના ઈરાદે વીણાને લઈ સુરત આવવાનું હતું, ત્યાં એની બદલી સુરત થઈ. સુરતમાં રહીને વધુ માહિતી મળશે એટલે નક્કી કરીશું એમ ધારી વીણાની વાત વિસારે પડી. સુરત આવ્યાં. કસ્તુરીની સુગંધ ઢાંકી ન રહે તેમ વીણાની કીર્તિ ઢાંકી ન રહી. ન્યાતમાં જાતમાં વીણાનું નામ સંભળાવા લાગ્યું. થોડા વખત ઉપર જે સ્થાન તરલાએ લીધું હતું તે સ્થાન વીણાએ લીધું. તરલા તરલ હતી પણ કાંક શરમાળ હતી. વિણા દેખીતી ગંભીર હતી પણ આગળ પડતી, બધાની સાથે મળી જતી. ગરબામાં વીણા બહેનના ગરબા શિવાય મજા આવતી નહી. હાર્મોનીયમના સૂરની મીઠાશ વીણાની આંગળીઓ ફરતી ત્યારે જ આવતી. પાર્ટીમાં વીણારૂપી ચંદ્ર પ્રકાશતો ત્યારે જ પાર્ટી શોભતી. જેને વીણાની ઓળખાણ નહી–જેની સાથે વીણ વાત ન કરે-ત્હેનું જીવન ધૂળ મનાતું. કાંઈક પોતાની કિમત સમજનારી વીણા ફુલાતી અને નાટકની રંગભૂમિમાં જુના એકટર કરતાં નવા એક્ટરને માન મળતાં તેને જે આનંદ થાય છે તેવો આનંદ તરલાની જગાએ પોતે આવી છે એ જાણતાં વીણાને થતો.


  1. ૧. જોબન.
  2. ૨. બીજા ન જાણે તેમ.