પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫
કાયદો, ન્યાય કે આપઘાત.


'હા, એના મારી પાસે પુરાવા છે. પણ માકુભાઈ ગેરવર્તણુક એટલે માત્ર હું એનો થતાર પતિ છતાં બીજાની સાથે વાત કરે છે, બીજાની વાતમાં રસ લે છે, અને પરણવા કદાચ વિચાર કરે છે.'

'એટલુંજને! નીતિનો નિયમ તોડ્યો હોય, અને વિદ્યાને, આબરૂને કાંઈ બટ્ટો લાગે એવું પગલું તરલાએ ભર્યું છે ?'

'ના, એમ તો બહુ પવિત્ર છે, લગ્ન કોની સાથે કરવું એ સિવાય બીજા વિચાર એને આવ્યા હોય એમ હું ધારતો નથી.'

'ત્યારે સુમનલાલ ! તમે વહેમાયા છો એટલું જ. કદાચ એને બીજાને પરણવા મરજી હશે, પણ તરલા નાની નથી. મોઢે પૂછતા કેમ નથી ! સગાઈ તોડવા આટલા પુરાવા ઉપરથી નાત મંજુરી આપી શકે જ નહી અને કાયદાની રૂએ પણ મળી શકે એમ નથી. સુમનલાલ ! તરલા એ તમારી ભવિષ્યની પત્ની નકી થયેલી છે છતાં કોઈ દિવસ તમે બીજી સ્ત્રી સાથે વાત કરી છે? વાત કરી હોય કોઈની સાથે ફર્યા હો તો તે વખતે તમે તરલાની ઈચ્છા જાણી હતી ? તમે કોઈ બુદ્ધિશાળી, જાહેરમાં કામ કરનારી, તમારી મિત્રપત્નીની વાતમાં રસ નથી લેતા ? તમારા મિત્રની ગેરહાજરીમાં કોઈ વાર એવીની સાથે અમસ્તી પણ વાત નથી કરી ? તો પછી શા માટે તમે એમજ માનો છો કે તરલા દોષીત છે ? દોષીત હોય તો પણ આ પુરાવા પુરતા નથી. આથી નાહક ફજેત થશો. ન્યાત સગાઈ તેડવા મંજુરી આપશે તો તરલા જેવી પત્ની ખોશો, ને મંજુરી નહિ આપે તે તરલા સાથેનું તમારું જીવન દુઃખી થશે. છુટાછેડામાં હમેશાં માનો છો એટલું સુખ નથી હોં ! સુમનલાલ ! ચંદા બ્હેન જેવાની મદદથી હજી પણ તમે સુખી થશો. માટે આ વાત જ માંડી વાળો.'

સુમનલાલ સુરતથી નિકળ્યો ત્યારે 'હું નહીં કે એ નહીં' કરી નિકળ્યો હતો. બસ તરલાનું નામ ન દેવું. કુંવારા રહી સરકારી નોકરીમાં કે દેશસેવામાં જીવન ગાળવું એ નિશ્ચય કરી આવેલો સુમન સેલીસીટરની પેઢીમાંથી નિરાશ થઈ નિકળ્યો.