પૃષ્ઠ:Tarlaa.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૧
ઘણે વખતે.


હતો. પિતાની ભૂલ સમજી હતી અને કેવળ બહારના ડોળથી અંજાઇને કેટલાં માબાપે પોતાનાં છોકરાંને, તેમાં છોકરીઓને હિંદુ સંસારમાં પરણાવી નાખી દુઃખનું કારણ થઈ પડતાં હશે તે સંભારી દિલગીર થઈ. તેમાં લીલાનો ભયંકર મંદવાડ, તેમાંથી બચવું એ યાદ આવતાં લીલાની માતા ઢીલી થઈ ગઈ અને કુમળું હદય આ બન્નેને જોઇ વધારે પ્રેમાળ બન્યું.

'અરવિન્દ ભાઈ ! ક્ષમા કરજો, તમે સમજુ છો.'

'મા, કાંઈ નહિ, એમાં તમારો વાંક નથી. હું પણ ઉતાવળીયો ઓછો નહોતો.'

'પરમેશ્વરે જ તમને મુંબાઈ બોલાવ્યા. હવે તમારી થાપણ લઈ જાઓ એટલે ગંગા નાહ્યા. ખરે ! દીકરીઓ નહી માંગતા હોય તેમાં ડહાપણ છે.'

'થાપણ! પહેલી કાયદેસર થાપણ કરી આપો પછી વાત.'

'કહો તો કાલ.'

'કાલ ? ના, ના. કાંઈ તૈયારી કર્યા વિના એમને એમ થાય? હવે તો બીજો કોઈ ભૂજંગ કે સાપ નથી નડવાનો ને ? વખત છે વિનોદ બ્હેન જેવાં આવી સલાહ આપે ને મન ફરે તો કોણજાણે!'

'અરવિન્દ્ર ભાઈ! હવે તે બને ? લીલાના બાપ મુંગા રહ્યા હતા જે લીલાના મંદવાડને લીધે જ. એમણે મને ઠપકો આપ્યો છે તે મારું મન જાણે છે. એ તો સારું થયું કે લીલા જીવી અને મ્હોં રહ્યું, બાકી અમારું મ્હોં બહાર કાઢી શકાત નહી. આવતા અઠવાડીયામાં લગ્ન કરીએ તો વાંધો છે?'

'વાંધો તો કાંઈએ નહિ પણ ન્યાતજાતની રીત પ્રમાણે કાંઈ ઘરેણાં, લુગડાં લત્તાં તો કરવાં ને ?'

'મ્હારી તરફથી કોઇએ નથી. આપણે તો ચંદા બ્હેનને સોંપવાનાં છીએ.”